સરકારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિલ્હીમાં યોજવામાં આવેલા થાપણદારો સૌથી પહેલા: રૂ. 5 લાખ સુધી બાંયધરીકૃત નિર્ધારિત સમયમાં થાપણ વીમાની ચુકવણી કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. કેન્દ્રીય નાણાં મંત્રી, રાજ્ય નાણાં મંત્રી અને RBIના ગવર્નર સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન કેટલાક થાપણદારોને ચેક પણ અર્પણ કર્યા હતા. એટલે કે જો હવે કોઈ બેંક ડૂબશે તો ગ્રાહકને 5 લાખ રૂપિયા સુધી રકમ મળશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેન્કિંગ ક્ષેત્ર અને દેશની બેંકોના કરોડો ખાતાધારકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજનો દિવસ દાયકાઓથી જેનો ઉકેલ નહોતો આવી રહ્યો તે મોટી સમસ્યાના ઉકેલનો સાક્ષી બની રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘થાપણદારો સૌથી પહેલા’ની ભાવના ઘણી અર્થપૂર્ણ છે. છેલ્લા કેટલાક દિવસમાં, એક લાખ કરતાં વધારે થાપણદારોને વર્ષોથી અટવાયેલા તેમના નાણાં પાછા મળી ગયા છે. મોદીએ ઉમેર્યું હતું કે, આ રકમ રૂપિયા 1300 કરોડ કરતાં વધારે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોઇપણ દેશ સમસ્યાનો સમયસર ઉકેલ લાવીને જ તે સમસ્યાના કારણે ઉભી થનારી પરિસ્થિતિને વધુ ખરાબ થતા બચાવી શકે છે. તેમણે આગળ કહ્યું હતું કે, જોકે, વર્ષોથી સમસ્યાઓને ટાળવાનું વલણ ચાલી રહ્યું હતું. આજનું નવું ભારત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તત્પર છે.અને આજનું ભારત સમસ્યાઓથી મોં ફેરવતું નથી.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, બેંક થાપણદારો માટેના વીમાનું તંત્ર 60ના દાયકામાં લાવવામાં આવ્યું હતું. અગાઉ, બેંકમાં થાપણ પેટે મૂકવામાં આવતી રકમમાંથી, રૂપિયા 50 હજાર સુધીની રકમની ગેરેન્ટી લેવામાં આવતી હતી. ત્યારબાદ તે રકમ વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી. એટલે કે, જો બેંક ડુબી જાય તો થાપણદારોને માત્ર રૂપિયા એક લાખ સુધીની રકમ પાછી મળે તેવી જોગવાઇ હતી. આ નાણાં થાપણદારોને પરત ચુકવવા અંગે પણ કોઇ સમયમર્યાદા બાંધવામાં આવી નહોતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગરીબોની ચિંતાને સમજીને, મધ્યવર્ગીય લોકોની સમસ્યાને સમજીને, અમે ગેરેન્ટીની રકમ વધારીને રૂ. 5 લાખ કરી છે. કાયદામાં સુધારો કરીને અન્ય એક સમસ્યાનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ રિફંડની ચુકવણી કરવા માટે કોઇ જ સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી નહોતી, પરંતુ હવે અમારી સરકારે આ સમય મર્યાદા નિર્ધારિત કરીને થાપણદારોને 90 દિવસમાં એટલે કે 3 મહિનામાં રિફંડ ચુકવવાનું ફરજિયાત કર્યું છે. બેંક ડુબી જાય તેવી સ્થિતિમાં પણ, થાપણદારોને 90 દિવસમાં તેમના નાણાં પાછા મળી જશે.
થાપણ વીમા અને ક્રેડિટ ગેરેન્ટી નિગમ દ્વારા તાજેતરમાં જ વચગાળાની ચુકવણીનો પ્રથમ હિસ્સો ચુકવણી માટે રીલિઝ કરવામાં આવ્યો છે, જે RBI દ્વારા પ્રતિબંધો હેઠળ આવરી લેવાયેલી 16 શહેરી સહકારી બેંકોના થાપણદારો પાસેથી પ્રાપ્ત થયેલા દાવા સામે છે કરાયેલી ચુકવણી છે. 1 લાખથી વધુ થાપણદારોને તેમણે કરેલા દાવા સામે વૈકલ્પિક બેંક ખાતાઓમાં રૂ. 1300 કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.