વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસે જ્ઞાતિવાદી સમીકરણો ગોઠવવાનું શરૂ કર્યુ

ગુજરાતમાં 2022માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલાં બન્ને મુખ્ય પાર્ટી ભાજપ અને કોંગ્રેસ જ્ઞાતિવાદી સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત બની છે. બન્ને પાર્ટીના હાઇકમાન્ડ તરફથી સૂચના મળ્યા પછી પ્રદેશના આગેવાનો તેમની વોટબેન્ક મજબૂત બનાવવાના કાર્યમાં લાગી ગયા છે. ભાજપે પાટીદારોને રિઝવવવાનો પ્રયાસ શરૂ કર્યો છે જ્યારે કોંગ્રેસે ઓબીસી, દલિત અને આદિવાસી વોટબેન્ક પર પક્કડ જમાવવા માટે નિયુક્તિઓ શરૂ કરી છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મરાઠી છે જ્યારે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઓબીસી જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર છે અને વિપક્ષના નેતા સુખરામ રાઠવા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે ભાજપ પાસે પાટીદાર ઉપરાંત ઓબીસી, દલિત અને આદિવાસી સંસદસભ્યો અને ધારાસભ્યો મોજૂદ છે. કેબિનેટમાં પણ તેમને સ્થાન આપવામાં આવેલું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસમાં જ્ઞાતિ આધારિત રાજકારણ શરૂ થયું છે. ભાજપનો ઝોક પાટીદારો તરફ જઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસે ઓબીસી અને આદિવાસી વોટબેન્ક પર નજર ફેરવી છે. ખોડલધામના અગ્રણી નરેશ પટેલે રાજકારણમાં આવવાનો ઇશારો કરતાં બન્ને પાર્ટીઓના નેતાઓ સતર્ક બની રહ્યાં છે. ભાજપના સંસદસભ્યો અને ધારાસભ્યો પણ જ્ઞાતિવાદી રાજકારણને છોડી શકતા નથી. એક સમાજ રજૂઆત કરે છે તો બીજો સમાજ પણ રજૂઆત કરવા ઉભો થઇ જાય છે.

ભાજપના પાટીદાર સંસદસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને પાટીદાર અનામત આંદોલન સમયે પટેલ યુવાનો સામે થયેલા તમામ કેસ પાછા ખેંચવાની માગણી કરી છે ત્યારે પાર્ટીના અન્ય જ્ઞાતિના સંસદસભ્યો પણ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી રહ્યાં છે કે પાટીદારની જેમ અન્ય જ્ઞાતિ સામેના કેસ પણ પાછા ખેંચાવા જોઇએ. પાટીદાર અનામત આંદોલન સમયે ઠાકોર અને દલિત યુવાનોએ પણ આંદોલન પણ તેજ બનાવ્યું હતું અને તે જ્ઞાતિના યુવાનો સામે પણ કેસ થયેલા છે.

ગુજરાતમાં પાટીદારોની ધાર્મિક સંસ્થાઓ જે કાર્યક્રમો યોજી રહી છે તે તમામ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત પ્રદેશના નેતાઓ હાજરી પુરાવી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની ધાર્મિક યાત્રા શરૂ કરી દીધી છે. તેઓ પાટીદારોના ધાર્મિક સમારોહ તેમજ સ્વામિનારાયણ સંસ્થાઓના કાર્યક્રમોમાં પણ હાજરી આપી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.