PSI ની પરીક્ષામાં ગેરરીતિનો થયો પર્દાફાશ:સુરેન્દ્રનગરમાં સાચો કોલ લેટર હોવા છતાં જાણો શુ કર્યું?

સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે રાજ્યમાં જે પીએસઆઇની ભરતી કરવાની છે તેના માટે ગ્રાઉન્ડ ટેસ્ટ માટેની પરીક્ષા ચાલી રહી છે.જેથી વહેલી સવારે દોડ લગાવવા માટે 5 ઉમેદવારોએ પોતાની પાસે રહેલા સાચા કોલ લેટરની સાથે સવારે છ વાગ્યાનો દોડનો સમય લખીને બોગસ કોલ લેટર બનાવી ગ્રાઉન્ડ ઉપર દોડવા માટે આવેલા 5 પરીક્ષાર્થીઓનો ભાંડો ફૂંટી ગયો હતો. આ 5 શખસ સામે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જિલ્લાના જવાહર ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે રાજકોટ ડીસીપી ઝોન-1ના પ્રવિણકુમારના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ તેમજ નોડલ ઓફિસર સુરેન્દ્રનગરના ડીવાયએસપી પી.કે.પટેલ દ્વારા તા. 14 ડિસેમ્બરને મંગળવારે સવારના 5 કલાકે શારીરિક કસોટીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અને 6 કલાકના સમયની લાઈનના ઉમેદવારોને કોલલેટરમાં જણાવેલી સૂચના મુજબ પ્રવેશ આપવાની કામગીરી ચાલુ કરી હતી.

આ દરમિયાન ફરજ પરના અધિકારી બજાણા પોલીસ મથકના પીએસઆઈ વી.એન.જાડેજાએ ઉમેદવાર આશીષકુમાર ગઢવીનો કોલલેટર ચેક કરતા તેની પાસે બે કોલ લેટર મળી આવતા પોલીસતંત્ર પણ ચોંકી ગયુ હતું. અને જેમાં એક કોલ લેટરમાં 6 કલાકનો સમય લખેલો હતો અને બીજા કોલ લેટરમાં 8 કલાકનો સમય હતો. મોરબીના પીએસઆઈ એન.એન.જાડેજાને પીએસટી કાઉન્ટર નંબર 1થી 5 ઉપર ફરજ હોય તેઓએ ચેકિંગ કરતા આવા કોલ લેટરમાં સમયમાં છેડછાડ કરનાર બીજા 4 ઉમેદવારોનો પણ ભાંડો ફૂટી ગયો હતો.

ગ્રાઉન્ડમાં અલગ વાત કરતાં હોવાથી ભાંડો ફૂટ્યો

પીએસઆઇ કક્ષાના અધિકારી ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ 5 પરીક્ષાઓના કોલ લેટરનું પણ ચેકિંગ કર્યું હતું. જેમાં તેમણે સવારે 6 વાગ્યાના ગ્રાઉન્ડનો કોલ લેટર બતાવ્યો હતો. જ્યારે ઓનલાઇન તપાસ કરતા આ 6 વાગ્યાના ગ્રાઉન્ડમાં નોંધ ન હતી. કોઇનું નામ 8 વાગે તો કોઇનું 7 વાગ્યાની દોડમાં હતું. આથી શંકા જતા તપાસ હાથ ધરી હતી.

વહેલી સવારે ઠંડીમાં દોડવામાં અનુકૂળ રહે તે માટે ગોલમાલ કરી હતી
સામાન્ય રીતે થોડો તડકો થઇ જાય એટલે દોડવામાં મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. આથી રનિંગ કરવું અઘરું બને છે. પરંતુ વહેલી સવારે ઠંડીમાં દોડવામાં આવે તો ખુબ અનુકૂળતા રહે આમ ગ્રાઉન્ડ સરળતાથી પાસ કરવા માટે પાંચેય પરીક્ષાર્થીઓએ કોલ લેટર બોગસ બનાવ્યો હતો.

5 આરોપીમાંથી 2 પોલીસ કર્મચારી
સુરેન્દ્રનગર પીએસઆઇની પરીક્ષામાં ગ્રાઉન્ડ પાસ કરવા માટે આવેલા 5 પરિક્ષાર્થીને કોલ લેટરમાં ગોલમાલ કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તેમાં 2 પોલીસ કર્મચારી પણ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

4 આરોપી રાજકોટના છે.
આશીષકુમાર પાતુભાઈ ગઢવી ભક્તિનગર પોલીસ સ્ટેશન, રાજકોટ
મહેશ દિનેશભાઈ સેગલીયા (પોલીસમાં નોકરી) મુંજકા, રાજકોટ
જયદિપસિંહ નટુભાઇ ગોહીલ પીપરડી.તા.વીછીંયા, જિ.રાજકોટ
પ્રવિણભાઈ કરમશીભાઈ સાકરીયા ફુલજર.તા. વીંઝીયા.જિ.રાજકોટ
કિશન વજાભાઈ રાઠોડ (પોલીસમાં નોકરી) પાળિયાદ, બોટાદ ટ્રાફિક

ગુનો સાબિત થાય તો 10 વર્ષથી વધુની સજાની જોગવાઇ છે.
કલમ 465, 467, 468 અને 471ની કલમ એ બનાવટી દસ્તાવેજ ઊભા કરવા, ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરવા અંગેનો ગુનો નોંધાય છે. જેમાં 10 વર્ષથી વધુની સજા, દંડની જોગવાઇ છે. આવા ગુનાહીત કાર્યોમાં સરકારી કર્મચારી સંડોવાયેલા હોય અને ગુનો સાબિત થાય તો નોકરી ગુમાવવી પણ પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.