સુરત : વરાછામાં સોસાયટીના પૂર્વ પ્રમુખે લગ્નપ્રસંગમાં ફટાકાડા નહીં ફોડવા તેમજ ઢોલ નહી વગાડવાના નિયમને નેવે મુકીને ફટાકડા ફોડવામાં આવતા માથાકૂટ થઇ હતી. અને નિયમોને લઇને ચર્ચા થતા પૂર્વપ્રમુખ અને તેના સંબંધીઓએ હાલના પ્રમુખ ઉપર દાળ બનાવવાના ડોયાથી હુમલો કરીને માથુ ફોડી નાંખ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછા માતાવાડી પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા વિજય રમણીકભાઇ પટેલ હાલમાં સોસાયટીના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. આ સોસાયટીમાં રહેતા ભુરાભાઇ સંભુભાઇ સાંઘાણી અગાઉ સોસાયટીના પ્રમુખ હતા, ત્યારે તેઓએ લગ્ન પ્રસંગમાં ઢોલ નહી વગાડવા તેમજ ફટાકડા નહીં ફોડવાના નિયમો બનાવ્યા હતા અને આ નિયમો હાલમાં પણ અમલમાં જ છે. બીજી તરફ બે દિવસ પહેલા ભુરાભાઇના નાના ભાઇ મનસુખભાઇ સાંઘાણીના પુત્રના લગ્ન હતા, ત્યારે વાડીમાં ઢોલ વાગતા હતા અને ફટાકડા પણ ફૂટી રહ્યા હતા.
આ બાબતને લઇને હાલના પ્રમુખ વિજયભાઇ તેમજ સોસાયટીના અન્ય સભ્યોએ મીટીંગ બોલાવીને ચર્ચા કરી હતી. ત્યારબાદ રાત્રીના 10 વાગ્યાના અરસામાં મનસુખભાઇએ વિજયભાઇને ફોન કરીને કહ્યું કે, મારા પુત્રના લગ્નમાં ફટાકડા પણ ફૂટશે અને ઢોલ પણ વાગશે કહી ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ તેઓ જાતે જ વાડીમાં આવ્યા હતા અને વિજયભાઇને દાળમાં બનાવવાના ડોયા વડે હુમલો કરી માથુ ફોડી નાંખ્યું હતું. ગંભીર હાલતમાં વિજયભાઇને હોસ્પિટલ લઇ જવાયા હતા, બનાવ અંગે વિજયભાઇએ ભુરાભાઇ, તેમનો પુત્ર રવિ અને નાનો ભાઇ મનસુખ સાંઘાણીની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.