ગુજરાતના આ ગામમાં 58 વર્ષથી એક જ પરિવારમાંથી સરપંચ નક્કી કરાય છે

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તો ઘણા ગામડાઓમાં ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. ત્યારે ગાંધીનગરના માણસામાં આવેલા એક એવા ગામની વાત છે કે, આ ગામમાં વર્ષોથી ગ્રામ પંચાયત સમરસ જાહેર થાય છે અને આટલું જ નહીં ગામના સરપંચનું સ્થાન એક જ પરિવારને વર્ષોથી મળે છે. આ ગામનું નામ છે રાજપુરા ગામ. આ ગામ રામદાસ પટેલ દ્વારા વસાવવામાં આવ્યું હતું. આ રાજપુરા ગામમાં ચાર પરિવારના કુંટુંબમાંથી દરેક વખતે સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવે છે. રાજપુરા ગામની 90% વસ્તી કડવા પટેલોની છે. આ ગામમાં 1700ની વસ્તી છે અને 300 જેટલા પરિવાર વસવાટ કરે છે.

રાજપુરા ગામના સરપંચ રમેશ પટેલ અને તેમના ભાઈ સાંકળચંદ પટેલ દ્વારા ગામના ઈતિહાસ બાબતે કહેવામાં આવ્યું હતું કે, આશરે પોણા બસ્સો વર્ષ પહેલા ઊંઝાથી જોટાણા અને અલૂવા થોડા સમય રોકાયા બાદ રામદાસ અને ભાણજીદાસ છૂટા પાડ્યા હતા. તે સમયે રામદાસ પટેલને પાંચ દીકરા હતા. પાંચેયના નામ રઘજીદાસ પટેલ, આહજીદાસ પટેલ, પરાગજીદાસ, વાલજીદાસ અને વણાવસીદાસ માણસામાં રહેવા માટે આવ્યા હતા અને તે સમયે રામદાસે માણસાના રાજસિંહબાપુને વિનંતી કરતા તેમને ચરામાં રહેવા માટેની જગ્યા હતા. ત્યારબાદ આ એક જ પરિવારથી ગામ વસી ગયું

રામદાસના 5 દીકરાઓ પરથી અલગ-અલગ પરિવાર આ ગામમાં વસી ગયા. જેમાં વાલજીદાસના ભાણીય તરીકે ડેણમિયા પરિવાર, આહજીદાસના પુત્ર કેવળદાસના દીકરી તે મોતીદાસ અને વીરચંદદાસના બહેનના ભાણીયાના ભાણીયા તરીકે બીલોદરીયા પરિવાર, પરાગદાસના ભાણીયા તરીકે ઈટાદરિયા પરિવાર અને કુંવાર પરિવાર રાજપુરામાં આવીને વસી ગયા હતા. આવી જ રીતે અંબારદાસના ચાર દીકરા પૈકી હરગોવનદાસ પણ ગામમાં રહેવા આવી ગયા. આવી રીતે એક જ પરિવારના પંખીડાઓથી આશરે ગામમાં 1700 લોકોની વસ્તી વસવાટ કરે છે. મહત્ત્વની વાત છે કે, રાજપુરા ગામની રચના 1864 એટલે કે સવંત 1920ના રોજ થઇ. તે સમયે ધોળાકૂવા, ભીમપુર, રાજપુર અને સબદલપુર આ ચારની જૂથ પંચાયત હતી. ત્યારબાદ ચારેય ગામડાઓનું વિભાજન થયું અને પછી રાજપુરા ગામ અસ્તિત્વમાં આવ્યું હતું.

ગામમાં વિકાસના કામ થાય છે પણ લોકોને થોડી મુશ્કેલી પણ ભોગવવી પડે છે. ગામના બસ સ્ટેન્ડ પર બસ અનિયમિત આવે છે. ગામના તળાવનો વિકાસ થયો છે. આ ગામમાં રામદાસ પટેલની પેઢી વચ્ચે કૌટુંબિક ભાવના જોવા મળે છે. જો ક્યારેક કોઈ બાબતને લઇને તકરાર થાય છે તો મેટર પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. પરિવારના વડીલો સમજાવટથી વિવાદનો અંત લાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.