ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને લઈને ચિંતા વધી રહી છે. સુરતના ડુમસમાં આવેલી ડીપીએસ સ્કૂલમાં ધોરણ 1ના 2 બાળકો કોરોના સંક્રમિત થયાની માહિતિ સામે આવી છે. જેના કારણે શાળા સંચાલકોએ શાળાને 7 દિવસ માટે બંધ કરી છે. મળતી માહિતિ અનુસાર આ બાળકો સુરતના વેસુ વિસ્તારમાં રહે છે અને તેઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ધો. 1ના 2 બાળકો પોઝિટિવ આવતાં થોડી ચિંતા વધી છે. કોરોનાની આ લહેર બાળકોને સંક્રમિત કરી શકે તેવી આશંકા હોવાના કારણે તંત્ર ચિંતામાં જોવા મળી રહ્યું છે. એક જ ઘરના 2 બાળકો એક સાથે કોરોના પોઝિટિવ હોવાના કારણે પરિવારના લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.
વડોદરાની નવરચના શાળામાં પણ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવિ આવ્યો છે. શાળામાં કેસ આવતા સંચાલકોએ શાળાને તાત્કાલિક રીતે 4 દિવસ માટે બંધ કરી છે. નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હોવાનું સામે આવ્યું છે. સંચાલકોએ શાળાના તમામ રૂમને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી છે. શાળામાં સંક્રમણના કેસ વધતાં જ લોકોમાં ખળભળાટ મચ્યો છે.
અમદાવાદની નિરમા સ્કૂલના 3 વિદ્યાર્થીઓ, ઉદ્દગમ સ્કૂલનો 1 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થયાનું સામે આવ્યું છે. જેને લઈને સંચાલકોએ ઓફલાઈન વર્ગો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરના છારોડીમાં આવેલી નિરમા સ્કૂલના ત્રણ અને ઉદ્દગમનો 1 વિદ્યાર્થી કોરોનાની ઝપેટમાં આવતાં તંત્ર દોડતુ થયું છે. સંચાલકોએ બાર દિવસ સુધી સ્કૂલમાં ઓફલાઈન વર્ગો બંધ કરવાનો સ્કૂલે જ નિર્ણય લઈ લીધો છે. જોકે ડીઈઓએ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સ્કૂલને સુચના આપી છે અને પ્રાથમિકનું એક બાળક અને ધો.9 અને 11ના જે બે વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા તેમાંથી પ્રાથમિકનું બાળક સ્કૂલમાં નથી આવ્યું તે તો માત્ર ઓનલાઈન અભ્યાસ કરતું હતું. ધો.9-11ના બે વિદ્યાર્થી પોઝિટિવ આવ્યાં છે તે બંને એક જ પરિવારના સંતાનો છે. જેમના પર્સનલ ડ્રાઈવરને ગત 7 ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.