હાલ એવા ઘણા ઓછા લોકો હશે કે જે સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરતા હોય. આવા લોકો ભાગ્યે જ જોવા મળતા હોય છે. તો કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં શાળા-કોલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવતો હતો. બસ ઓનલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે. અભ્યાસ કરવાના બદલે સ્માર્ટફોનમાં ગેમ રમતા હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. ક્યારેક સ્માર્ટફોન લેવાની જીદે ચઢેલા બાળકોની જીદ પૂરી ન થતા બાળકે એ આપઘાત કર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો વાપીમાં સામે આવ્યો છે.
વાપીમાં ડુંગરાળ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં બાળક ધોરણ 9મા અભ્યાસ કરી રહ્યો હતો. કોરોનાની મહામારીમાં ઓનલાઈન અભ્યાસ શરૂ હોવાના કારણે કારણે પરિવારના સભ્યોએ આ વિદ્યાર્થીને મોબાઇલ લઇ આપ્યો હતો. જો કે વિદ્યાર્થીએ મોબાઇલમાં ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરવાના બદલે ગેમ રમવાનું શરુ કર્યું અને બસ અહીંથી જ તેને ગેમ રમવાની લત લાગી ગઈ. જ્યારે પરિવારના સભ્યોએ આ બાળકને સમજાવવાનો પ્રયાસ કર્યો અને ગેમ ન રમવા બાબતે કહ્યું ત્યારે રોષે ભરાયેલો બાળક ઘર છોડીને ભાગી ગયો હતો. પરિવારના સભ્યોના કહેવા અનુસાર બાળક જ્યારે ઘર છોડીને ભાગી ગયો ત્યારે તે એક હજાર રૂપિયા કબાટમાંથી સાથે લઈને ભાગી ગયો હતો.
પરિવારના સભ્યોએ બાળકને શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિવારના સભ્યોને એક ચિઠ્ઠી મળી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, હું ઘર છોડીને જઈ રહ્યો છું અને ક્યારેય પરત ફરીશ નહીં. આ બાબતે પરિવારના સભ્યોએ બાળકને શોધવા માટે પોલીસની પણ મદદ લીધી હતી. આ બાળક તેનું ઘર છોડીને રાજસ્થાન ચાલ્યો ગયો હતો અને રાજસ્થાનના રાની રેલવે સ્ટેશન પર જ્યારે વિદ્યાર્થી બેઠો હતો ત્યારે રેલવેના એક કર્મચારીએ તેની પૂછપરછ કરતા સમગ્ર મામલો તેના ધ્યાને આવ્યો હતો. ત્યારબાદ રેલવેના કર્મચારીઓ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા આ બાળક તેના ઘરે હેમખેમ પરત ફર્યુ હતું. એક અઠવાડિયા બાદ બાળક તેના ઘરે હેમખેમ પરત ફરતા પરિવારના સભ્યોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી.
બાળકે પણ એવી કબૂલાત કરી હતી કે તેને ઓનલાઈન ક્લાસીસ દરમિયાન ફ્રી-ફાયર નામની ગેમ રમવાની લત લાગી હતી અને જો તેની આ ગેમ રમતા કોઈ વ્યક્તિ રોકે તો તે ગુસ્સે થઇ જતો હતો. પરિવારના સભ્યએ પણ એવું જણાવ્યું હતું કે, બાળકના વર્તનમાં થોડો ફેરફાર આવ્યો હતો અને ગેમ રમવાની ના પાડતા તે ઘરેથી ફરાર થઈ ગયો હતો. તો બાળકે જણાવ્યું હતું કે, તે સૌથી પહેલા ઘરેથી નીકળી વાપી રેલવે સ્ટેશન ગયો. ત્યાંથી રાજસ્થાન ગયો અને રાજસ્થાનથી UP ગયો હતો. આ બાળકે મોટાભાગે ટિકિટ લીધા વગર જ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આખરે બાળક ઘરે આવી જતા તેના પરિવારના સભ્યો ને હાશકારો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.