ગુજરાત ના આ શહેરમાં અંડરગ્રાઉન્ડ સ્માર્ટ કચરાપેટી મૂકવામાં આવશે

વડોદરા શહેરને સ્માર્ટ શહેર બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના શાસકોએ વડોદરાના માર્ગો પર સ્માર્ટ કચરાપેટી મૂકવાનો નિર્ણય કર્યો છે. આ પ્રોજેક્ટ પાછળ મહાનગરપાલિકાને 5 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.

મળતી માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ 40 જેટલી જગ્યાઓ પર GPS સિસ્ટમ વાળી સ્માર્ટ કચરાપેટી મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માહિતી વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ માર્ચ મહિના સુધીમાં આ સ્માર્ટ કચરાપેટી નિયત કરેલા સ્થળ પર મુકાય જાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કચરાપેટી 1 મીટર પહોળી અને 06×88 સ્ક્વેર મીટરની હશે.

આ કચરા પેટીના અંડર ગ્રાઉન્ડ કોંક્રીટ બંકરમાં ઉતારવામાં આવશે જેથી રસ્તા પર એક પણ ખૂલ્લી કચરા પેટી જોવા મળશે નહીં. આ કચરા પેટી તેની ક્ષમતા કરતા 70% ભરાઈ જશે એટલે તાત્કાલિક એક મેસેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને મળી જશે. ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાનું વ્હીકલ જગ્યા પર જઈને આ કચરા પેટીમાંથી કચરો બહાર કાઢી લેશે.

મહત્ત્વની વાત છે કે વર્તમાન સમયમાં વડોદરા શહેરમાં ઠેર-ઠેર જગ્યા પર કચરાપેટીઓ જોવા મળે છે અને આ કચરાપેટીની બહાર પણ કચરો ઢોળાયેલો જોવા મળે છે. પણ હવે આગામી સમયમાં આ સમસ્યા ભૂતકાળ બની જશે અને લોકોને રસ્તા પર કચરા પેટી દેખાશે જ નહીં. એટલા માટે વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા અંડરગ્રાઉન્ડ સ્માર્ટ ડસ્ટબિન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે.

આટલું જ નહીં વડોદરામાં ટ્રાફિકની સમસ્યાને સોલ્વ કરવા માટે અલકાપુરી આર.સી. દત્ત રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાં એક રોટરી પાર્કિંગ પણ બનાવવામાં આવશે. જેથી પાર્કિંગની સમસ્યા હળવી થશે. આ પાર્કિંગ 800 ચોરસ મીટર પ્લોટમાં બનશે. તેમાં વાહન માલિકે તેના વાહનને નીચે મુકીને ચાલ્યુંજવાનું રહેશે. ત્યારબાદ યાંત્રિક રોબોટ આ વાહનને ઉપર લઇ જશે.

તો બીજી તરફ વડોદરાના ત્રણ વિસ્તારમાં હાલની ક્ષમતા કરતા દસગણી વધારે ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી પણ બનાવવામાં આવશે. આ ત્રણ વિસ્તારમાં સયાજીબાગ, વડીવાડી અને અકોટાનો સમાવેશ થાય છે. સયાજીબાગ વિસ્તારમાં 2.7 લાખ લીટરની પાણીની ટાંકી છે હવે આ વિસ્તારમાં 27 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી બનશે. વડીવાડી વિસ્તારમાં 4 લાખ લીટરની પાણીની ટાંકી છે. હવે આ વિસ્તારમાં 30 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી બનશે. અકોટા વિસ્તારમાં 9.1 લાખ લીટર પાણીની ટાંકી છે. હવે આ વિસ્તારમાં 30 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી બનશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.