ટ્યૂશન શિક્ષિકાએ બાળકનો વીડિયો બનાવી લેતાં તે વાઈરલ થયો હતો
બાળક પોતાની મીઠી વાણીને કારણે પરિવાર સહિતનાને આકર્ષિત કરી દે છે
મને ટ્યૂશનમાં ન આવડે ઘરે જ આવડે’-રડતાં રડતાં બાળક દ્વારા બોલાયેલા શબ્દો સાથેનો વીડિયો થોડા દિવસો અગાઉ ભારે વાઈરલ થયો હતો. કાલીઘેલી ભાષામાં બાળક પોતાની વાત રજૂ કરતો વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયોને ઘણા લોકોએ કોમેડીના સ્વરૂપમાં લીધો તો ઘણા લોકોએ આ વીડિયોને બાળકો સાથેના અત્યાચાર સાથે સરખાવ્યો હતો. જો કે, આ બાળક કોણ છે? ક્યાંનો છે.? તેનો પરિવાર કોણ છે? અને તેને શા માટે ટ્યુશનમાં મોકલવામાં આવતો હતો તે સહિતના સવાલો વીડિયો જોનાર દરેકને થતો હતો.
મળતી માહિતી પ્રમાણે આ બાળક સુરતના કોસમાડા ગામમાં રહેતો સાડા ત્રણ વર્ષનો રામ નીરવભાઈ કેવડિયા હોવાનું સામે આવ્યું છે. બાળકના પિતાએ કહ્યું કે, સામાન્ય બાળકો કરતાં રામને જીભ વહેલી આવી ગઈ હતી. પગેથી ચાલતા શીખતા પહેલાં જ રામ 8 મહિનાનો હતો ત્યારથી ચોખ્ખા શબ્દોમાં બોલતાં શીખી ગયો હતો.
રામના પિતા નિરવભાઈએ જણાવ્યું હતું કે, બાળક વાઈરલ વીડિયોમાં જે પંખે લટકાવવાનું બોલે છે. તેનો અર્થ રૂઢિપ્રયોગ તરીકે લેવાની જરૂર છે. આપણે કોઈને કહીએ કે તમે મારૂં માથું ખાવ છો..મગજમાં રાઈ ભરાઈ ગઈ છે તો તેનો અર્થ તેવો નથી. અમારી કાઠિયાવાડી તળપદી ભાષામાં આવું બોલાતું હોય છે. દરેક માતા પિતા તેના બાળકને ઠપકો આપવા કંઈક કહેતા હોય છે. એમાં એ બાળક બોલી ગયો પરંતુ તેનો અર્થ ખરાબ લેવાની જરૂર નથી.
રામના પિતા નીરવભાઈ કેવડીયાએ જણાવ્યું હતું કે, હું સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે ઘરે ક્યારેક કામ કરતાં કે લખતાં રામ જુએ તો તેને પણ તેમ કરવાનું મન થતું હતું. સાથે અન્ય બાળકોને ભણતા અને અભ્યાસ કરતાં જોઈને રામને પણ ભણવાની લગની લાગી હતી. પરંતુ તેની ઉંમર નાની હોવાથી ઘરે જ ટ્યુશન ચલાવતાં જીજ્ઞાશાબેન વાદીને ત્યાં ત્રણેક દિવસથી ટ્યુશનમાં મોકલ્યો હતો. પરંતુ તેની મીઠી વાણીને લઈને ત્યાં પણ વાતાવરણ હળવું બનાવી દીધું હતું. રામના જવાબોથી ટીચર અને અન્ય બાળકોને પણ ખૂબ મજા પડતી હતી.
મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને સુરતમાં 20 વર્ષથી રહેતા રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ-ભાભી તથા માતા પિતા સાથે સર્વમંગલ હોમ્સ કોસમાડા ખાતે રહે છે. સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે. દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે.
રામના દાદા વિઠ્ઠલભાઈએ કહ્યું કે, રામ મારી પાસે બહુ રહે છે. મારો લાડકો છે. વાર્તા સાંભળવાનો બહુ શોખીન છે. સવાલો બહુ કરે છે. અમે તેના સવાલોના જવાબ આપતા થાકી જઈએ એટલું પૂછે છે. જેવો જવાબ આપીએ કે તેને તે તરત જ યાદ રહી જાય છે. તેની યાદ શક્તિ પણ બહુ સારી છે. ચોખ્ખું બોલે છે. અમે તેને કહેતા નથી પરંતુ એ તેની જાતે જ શબ્દોની સારી રીતે ગોઠવણ કરી લેતો હોય છે. અમે ન કહ્યું હોય કે ન શીખવ્યું હોય તેવું પણ બોલતો હોય છે કે પૂછતો હોય છે. કહેવા કરતાં એ જોઈને અનુસરણ વધુ કરે છે.
રામનો વીડિયો બનાવનારા શિક્ષિકા જીજ્ઞાશા વાદીએ કહ્યું કે, મારી પાસે ઘણા બાળકો ટ્યુશન માટે આવતાં હોય છે. પરંતુ રામ તેમાંથી સૌથી જુદો છે. તેને કોઈ પણ સવાલ પૂછો તેની પાસે જવાબ હાજર જ હોય અને તેને લાંબુ વિચારવાની જરૂર પડતી નથી. જવાબ પણ કોઈએ ગોખાવેલા કે પઢાવેલા ન હોય તેના જવાબ પણ અનોખા હોય એટલે અમને પૂછવાનું પણ વધારે મન થાય. મારી પાસે ચારેક દિવસથી જ આવતો હતો પરંતુ મારી સહિત ટ્યુશનમાં આવતાં અન્ય બાળકોનો પણ રામ લાડકો બની ગયો છે.
રામના પરિવારે કહ્યું કે, અમારો રામ હજુ ભણવા-ગણવા માટે બહુ નાનો છે. અમે તેના પર કોઈ જ ફોર્સ કરતાં નથી. આગળ પણ રામને જે ફિલ્ડમાં આગળ વધવું હશે તેમાં અમે કોઈ દખલગીરી કરવા માગીશું નહીં. તેની ઈચ્છા પ્રમાણેના ફિલ્ડમાં આગળ વધવા અને વિકસવા માટે ખુલ્લું આકાશ આપવામાં આવશે તેમ પરિવારે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.