‘હું બહાર નિકળીશ તો તમને છોડીશ નહી’ સુરતની કોર્ટ પાસે આરોપીએ પોલીસને આપી ધમકી

સુરત જિલ્લા કોર્ટની બહાર અપહરણના ગુનામાં જેલવાસ ભોગવતા આરોપીને તેના સંબંધીઓ નાસ્તો આપી રહ્યા હતા. ત્યારે પોલીસવાળાએ આરોપીને નાસ્તો આપવાની ના પાડતાં આરોપીએ પોલીસને ધમકી આપી હતી કે, હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં. આ બનાવ અંગે પોલીસે આરોપી સામે ફરજમાં રૂકાવટનો પણ ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ એએસઆઇ મહેશભાઇ દત્તાત્રેય (રહે.,માધવનંદ આશ્રમ પાસે, પ્રભુનગર-1) તેમજ તેમની સાથેના બીજા કેદી પાર્ટીના માણસો વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને લઇને કોર્ટમાં આવ્યા હતા. બપોરે બે વાગ્યે કોર્ટ કાર્યવાહી પૂરી થતાં આરોપીઓને ફરી પોલીસ જાપ્તા સાથે પોલીસ વાન પાસે લઇ જવાયા હતા.

આ દરમિયાન અપહરણના ગુનામાં સંડોવાયેલા મોહંમદ સોહેબ મોહંમદ ઇસ્માઇલ મોહંમદ (રહે.,બેઠી કોલોની, મીઠી ખાડી પાસે)ને લઇને જઇ રહ્યા હતા. મોહંમદ સોહેબના સગા તેને નાસ્તો આપવા માટે આવ્યા હતા. પરંતુ પોલીસે તેઓને નાસ્તો આપવાની ના પાડતાં મોહંમદ સોહેબ અને એએસઆઇ મહેશભાઇની વચ્ચે માથાકૂટ થઇ હતી. મોહંમદ સોહેબે પોલીસ કર્મચારીઓને ધક્કો મારીને લાતો મારી હતી. આ ઉપરાંત ધમકી આપી હતી કે, હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં જેથી આ બનાવ અંગે ઉમરા પોલીસે આરોપી મોહંમદ સોહેબની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ અગાઉ પણ સુરતની જિલ્લા કોર્ટમાં આરોપીઓ દ્વારા પોલીસ સાથે ઘર્ષણના અનેક બનાવો બની ચૂક્યા છે. બેફામ બનેલા ગુનેગારો ન્યાયતંત્રની પણ પરવાહ કરતા નથી અને કોર્ટ પરિસરમાં જ તેઓ પોલીસને ધમકી આપી શકતા હોય તો સામાન્ય માણસનું કોણ બેલી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.