પગપાળા દ્વારકા દર્શન કરવા જતા સંઘમાંથી બે મહિલાઓ પર કાર ચાલકે કાર ચડાવી દેતા જીવલેણ અકસ્માત થયો છે. વડોદરાના પાદરા ગામમાંથી 90 પુરૂષો અને કેટલીક મહિલાઓ સાથે એક સંઘ દ્વારકા દર્શન માટે નીકળ્યો હતો. ઉપલેટા પાસે મોજ નદીના પુલ નજીક પાછળથી આવતી કારના ચાલકે ત્રણ મહિલા પર કાર ચડાવી દેતા બે મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ મહિલાઓનું નામ કૈલાશબેન ચૌહાણ અને કૈલાશબેન ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે અન્ય એક મહિલાને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ ઉપલેટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક મહિલાઓના દેહને પોસ્ટમોર્ટમ હેતુ ખસેડવામાં આવ્યા છે. વડોદરાના પાદરાથી નીકળેલો આ સંઘ શનિવાર રાતના રોજ ઉપલેટાથી આગળ ચાલતો થયો હતો. ધોરાજી તાલુકાના સુપેડી સંઘ પહોંચ્યો હતો.
સુપેડીમાં રાતવાસો કર્યો બાદ સવારે પુરૂષો અને મહિલાઓનો સંઘ આગળ વધ્યો હતો. ઉપલેટા પોરબંદર હાઈવે પર મોજ નદીના પુલ પાસે આવેલા કારેશ્વર મહાદેવ મંદિર સામે સંઘ પહોંચ્યો હતો. એ સમયે GJ01 RA 7100 નંબરના કાર ચાલકે અચાનક કાર પરનો કાબુ ખોઈ દેતા મહિલાઓને પાછળથી ટક્કર મારી દીધી હતી. જેમાં બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલાઓ ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસને જાણ થતા મૃતદેહને ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અમદાવાદથી પોરબંદર જઈ રહેલા કાર ચાલકે અકસ્માત કરતા કાયદેસરના પગલાં લેવાયા છે.
પોલીસે કાર ચાલકની અટકાત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પાદરા ગામે એક પરિવારની મનોકામના પૂરી થતા તેઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે પગપાળા નીકળ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસમાંથી પણ લોકો એકઠા થઈ ગયા હતા.અને આમ પણ હોળીનો તહેવાર નજીક આવતા એના બેથી ત્રણ મહિના પહેલા ગામેગામથી લોકો દ્વારકા પદયાત્રા કરીને પહોંચે છે. માત્ર ગુજરાત જ નહીં પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ અનેક લોકો આ રીતે પદયાત્રા કરી દ્વારકા જાય છે. પણ આ સંઘ દ્વારકા પહોંચે એ પહેલા જ સ્મશાન સુધી જવાની ફરજ પડી હતી. પરિવારમાં મનોકામના તો પૂરી થઈ ગઈ પણ દર્શન કાયમી ધોરણે અધૂરા રહી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.