રાજ્યમાં 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી અને 21 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. તો રાજ્યની કેટલીક ગ્રામ પંચાયતમાં અણધાર્યું પરિણામ આવ્યું છે. ક્યાંક અનુભવી ઉમેદવારોને ટક્કર આપીને યુવાનોએ બાજી મારી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. તો ક્યાંક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલા યુવકને ચૂંટણીમાં થયેલા ખર્ચ માટે વળતર આપીને તેનું ગામના લોકોએ સન્માન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.
એવું કહેવાય છે કે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભું રહેવું હોય તો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે અને ચુંટણીના પ્રચારમાં લોકોને ભેગા કરવા પડે, કાર્યાલય ખોલવી પડે અને મહત્ત્વની વાત છે કે, ભેગા થયેલા લોકોને નાસ્તો અને જમાડવા પડે. ત્યારે આજે એવા સરપંચની વાત કરવી છે કે તેને માત્ર 130 રૂપિયાનો ખર્ચ કરીને ચૂંટણીમાં જીત હાંસલ કરી. ચૂંટણીના પ્રચાર સમયે આ ઉમેદવારને ચા પીવાનું મન થાય તો પણ તેને મતદારો પાસેથી ચા પીધી હતી. માત્ર 130 રૂપિયાના ખર્ચે સરપંચ બનેલા યુવકનું નામ ભરત કામળીયા છે.
ભરત કામળીયાએ ઉના તાલુકાના સૈયદ રાજપરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ભરત કામળીયાએ ચૂંટણીના પ્રચારથી લઇને મત ગણતરી સુધી 130 રૂપિયાનો ખર્ચ કર્યો અને ભરત દ્વારા જ્યારે ચૂંટણીમાં પ્રચાર કરવામાં આવતો હતો ત્યારે તેને સામેના ઉમેદવારની એક પણ નકારાત્મક વાત ગામના લોકોને કહી નહતી. ભરત દ્વારા તેના મિત્રોના સહકારથી જ ઉમેદવારોની પેનલ બનાવવામાં આવી હતી. ભરત જ્યારે ચૂંટણી પ્રચાર કરતો ત્યારે તે આગામી 5 વર્ષમાં ગામના લોકોના હિત માટે કેવા કામ કરશે તેની માહિતી આપતો હતો. આ ઉપરાંત ચૂંટણીના પ્રચાર સમયે ભરતને ચા પીવી હોય તો પણ તે ગામના મતદારોની ચા પીતો હતો.
મત ગણતરી બાદ જ્યારે પરિણામ સામે આવ્યું ત્યારે ભરત કામળીયાએ તેના હરીફ ઉમેફ્વાને 384 મતથી હરાવ્યો હતો. ભરત કામળીયા માટે જે સ્લીપો છપાવવામાં આવી હતી તે પણ તેના મિત્રો દ્વારા છપાવી આપવામાં આવી હતી. મત ગણતરી સમયે ભરતના ખિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા અને આ પૈસા ખર્ચ થઇ જતા તેનો ચૂંટણી ખર્ચ 130 રૂપિયા પહોંચ્યો હતો. આ ઉપરાંત જ્યારે ભરતની જીત થઇ ત્યારે તેને ગામના આગેવાનોને વિનંતી કરી કે મને હાર પહેરાવતા નહીં અને હાર માટે જેટલા રૂપિયાનો ખર્ચ થાય તે પૈસાનો ગાયનો ઘાંસ ચારો ખવડાવજો.
ચૂંટણી જીત્યા બાદ ભરત કામળીયાએ ગામના લોકોને જણાવ્યું હતું કે, તે ગામમાં જે પાણી સમસ્યા છે તેના માટે અને ગામની શાળામાં જે શિક્ષકોની ઘટ છે તેના માટે રાજ્ય સરકારને રજૂઆત કરીને આ સમસ્યાનું તે નિરાકારણ લાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.