રાજ્યમાં અમદાવાદ સહિત સતત બે દિવસ સુધી વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાપમાનનો પારો ગગડ્યો છે અને વાદળો હટતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. નવા વર્ષના પહેલા સપ્તાહમાં પશ્ચિમ ઉત્તર ભારતથી પૂર્વ તથા મધ્ય ભારત સુધી તમામ વિસ્તારોમાં શીતલહેરની આશંકા છે અને તાપમાનમાં ઘટાડાનો દોર 3 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. 4 જાન્યુઆરીએ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીની વૃદ્ધિ થઈ શકે છે. ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસની ઘટાડો થશે.
હવામાન વિભાગ મુજબ, 4 જાન્યુઆરીએ હિમાલયી ક્ષેત્રમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન થવાનું છે. તેનાથી કાશ્મીર, લદાખ, હિમાચલ તથા ઉત્તરાખંડમાં 5-6 જાન્યુઆરીને બરફવર્ષા થઈ શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, દિલ્હી તથા પશ્ચિમ યુપીમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને ત્યારબાદ 7-8 જાન્યુઆરીએ ફરી એક વાર તાપમાનમાં ઘટાડો નોંધાશે.
છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ,રાજસ્થાન, હરિયાણા તથા પશ્ચિમ યૂપી અને ઉત્તર મધ્ય પ્રદેશના અનેક હિસ્સામાં લઘુત્તમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ રહ્યું. 3 જાન્યુઆરી સુધી પહાડી રાજ્યોની સાથે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન તથા યૂપીમાં શીતલહેરની સ્થિતિ રહેશે.
મધ્ય પ્રદેશમાં આગામી બે દિવસ સુધી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. 3 જાન્યુઆરી સુધી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પૂર્વ યૂપી, બિહાર અને પૂર્વોત્તરમાં સવાર તથા રાતના સમયે ઘેરું ધુમ્મસ રહી શકે છે. દેશના બાકી હિસ્સામાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નથી
બીજી તરફ, ચેન્નઈમાં છેલ્લા 24 કલાકમાં 201 મિમી વરસાદ નોંધાયો, જે ડીસેમ્બર મહિનામાં 2015 બાદ સૌથી વધુ છે. આ પહેલા 2 ડિસેમ્બર, 2015ના રોજ 294 મિમી વરસાદ પડ્યો હતો. ચેન્નઈમાં વરસાદ 2 જાન્યુઆરી સુધી પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.