ગોવાના રસ્તા પર એટલી ભીડ ઉમટી કે જોઈને તમે ચોંકી જશો..

દેશના અનેક રાજ્યમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે અને એવામાં જે તે રાજ્યની સરકારે કામ સિવાય બહાર ન નીકળવાની અને ગાઈડલાઈન્સનું પાલન કરવાની પ્રજાને અપીલ કરી છે. પણ ગોવામાંથી એક એવું ચિત્ર સામે આવ્યું છે અને જેના પરથી એવું કહી શકાય કે, પ્રવાસઘેલા મુસાફરોને કોઈ પ્રકારની ગાઈડલાઈન્સની અસર થતી નથી. આ ઉપરાંત ત્રીજી વેવના જોખમની પણ કોઈ બીક નથી. નવા વર્ષનું સેલિબ્રેશન કરવા તથા ‘પાર્ટી-શાર્ટી’ કરવા માટે ઘણા લોકો ગોવા પહોંચ્યા હતા.

કોરોના વાયરસના તથા ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવો વેગ પકડતો હોવા છતાં ગોવામાં ભીડ ઉમટી છે અને અહીંની શેરીઓમાં આવવાનું પ્રવાસીઓએ બંધ કર્યું નથી. શનિવાર રાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોવાના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, નોર્થ ગોવાના લોકપ્રિય બાગા બીચની નજીક આવેલા રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને એવું માનવામાં આવે છે કે આમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.

દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા ગોવા પહોંચે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રજા માણવા ગોવાના જુદા જુદા સિટીમાં પહોંચ્યા હતા પણ સૌથી વધારે ભીડ બાગાબીચ રોડ પર જોવા મળી હતી અને ભારતના અન્ય રાજ્યોની જેમ ગોવામાં પણ કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી રહ્યા છે. પીટીઆઈના એક રીપોર્ટ અનુસાર રવિવારે રાજ્યમાં 10 ટકાના પોઝિટિવ રેટ સાથે 388 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે દર્દીઓની સંખ્યામાં વધારો થવાનું કારણ પ્રવાસીઓ હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.