ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપો બાદ જાણો BJPએ શુ કહ્યું???

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા હેડક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસ કરતા પેપર લીક થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હવે ફરી એક વખત યુવરાજસિંહ દ્વારા 2021માં ઊર્જા વિભાગની વિવિધ ભરતીઓમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને એકસરખા માર્ક્સ આપી એક જ ગામના 18 લોકોની નિમણૂંક કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે અને ત્યારે આ કૌભાંડમાં ભાજપના નેતા અવધેશ પટેલનું નામ સામે આવ્યું છે. અવધેશ પટેલ ભાજપનો યુવા મોરચાનો મહામંત્રી હોવાનું સામે આવ્યું છે.

તો બીજી તરફ આ મામલે ઊર્જા મંત્રીની પ્રતિક્રિયા લેવામાં આવતા તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, હું આ બાબતે કશું જાણતો નથી અને આ બાબતે અમારા પ્રવક્તા જવાબ આપશે અને ઊર્જા વિભાગની ભરતીમાં થયેલા કૌભાંડ મામલે હવે ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને ભાજપના નેતા રજની પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કૌભાંડમાં સામેલ તમામ લોકો સામે પગલાં લેવામાં આવશે.

ભાજપના નેતા રજની પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશાં કોઈ પણ પ્રકારના પેપર લીકની વાત હોય કે પછી કૌભાંડની વાત હોય ત્યારે તેનો સખત વિરોધ કરતી આવી છે અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને આ સરકારની સાથે જોડાયેલો પ્રશ્ન છે તો આ બાબતે અધ્યક્ષ તરફથી પણ સરકારને ગંભીર પગલાં લે તેવી વાત કરવામાં આવી છે. આ બાબતની સૂચના પણ અમારા પાર્ટીના અધ્યક્ષ આપશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કાર્યકર્તા હોય કે અન્ય કોઈ હોય કોઈ પણ આવી ઘટના સાથે જોડાયેલો વ્યક્તિ હશે તેની સામે કડક પગલાં ચોક્કસ લેવામાં આવશે અને સરકારી કામકાજ એ રૂટિન ચાલતું હોય છે. પરંતુ જ્યારે પણ આવી ઘટના સામે આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં કડકાઇથી કામ લેવામાં આવ્યું છે અને આમાં પણ કડકાઇથી કામ લેવામાં આવશે.

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, 2021માં ઊર્જા વિભાગની વિવિધ ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી છે તે કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી બનાસકાંઠા તેમજ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.