વતનમાં પ્રેમ લગ્ન લોકો નહીં સ્વીકારે એ ડરથી પતિ-પત્ની તરીકેની નવી જીવનયાત્રા સુરતમાં શરૂ કરવાના વિચારથી છ મહિના પહેલાં જ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કાલી અને સુલતાનની સફરનો અંત કેમિકલના ગંદા વેપલાએ કર્યો છે. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની કાલી ઉર્ફે કિરણ અને સુલતાન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને આ પ્રેમને મૂર્ત સ્વરૂપ આપવા બન્નેએ ભાગીને લગ્ન કર્યાં હતાં અને બાદમાં રોજગારી અને શાંતિના જીવન માટે તેઓ સુરતની સચિન જીઆઈડીસીની મિલમાં નોકરી કરીને જીવન ગુજારતાં હતાં અને મધુર લગ્નજીવનની મીઠી યાત્રામાં કાલીને બે માસનો ગર્ભ પણ હતો પતિ-પત્ની બેમાંથી ત્રણ બનવાનો આનંદ ઊજવી રહ્યાં હતાં અને એવામાં જ ભરનીંદરમાં મોત મળતાં દંપતીની સાથે કામ કરતા લોકો પણ શોકમાં ગરક થઈ ગયા હતા.
પતિ-પત્ની તરીકે નવા જીવનની શરૂઆત કરનારા કાલી અને સુલતાન રોજેરોજ મિલમાં મજૂરી કરીને શાંતિનો રોટલો ખાઈ રહ્યાં હતાં અને જોકે સુમધુર દાંપત્ય જીવન જીવતાં કાલી અને સુલતાનની પ્રેમકહાણી કહો કે લગ્નજીવન પર કેમિકલ વેપલો ચલાવનારા માફિયાઓની જાણે નજર લાગી ગઈ હતી અને વહેલી પરોઢના ચારેક વાગ્યે કેમિકલ ઠાલવવામાં આવતાં જ બન્ને પતિ-પત્ની ઊંઘમાં જ તરફડવા લાગ્યાં હતા અને સાથે કામ કરતા અન્ય કામદારો એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ લાવ્યાં હતાં. જોકે સારવાર મળે એ પહેલાં જ બન્ને પતિ-પત્નીનાં મોત નીપજી ચૂક્યાં હતાં.
કાલી અને સુલતાની પ્રેમયાત્રાના પરિપાક સ્વરૂપે કાલી ઉર્ફે કિરણને બે માસનો ગર્ભ પણ રહ્યો હતો અને ગર્ભ રહ્યાના પહેલા જ દિવસથી બન્ને ખુશ હતાં. બેમાંથી ત્રણ બનવાની યાત્રા પણ બન્ને સાથે જ જીવી રહ્યાં હતાં. સુલતાન કિરણ માટે રોજેરોજ કામ પરથી છૂટીને કંઈ ને કંઈ સારી વસ્તુ ખરીદી લાવીને કિરણને ખુશ રાખવાનો પ્રયાસ કરતો હતો અને જેથી આવનારું બાળક પણ ખુશ રહે. જોકે ગર્ભસ્થ બાળક આ દુનિયામાં આવે એ પહેલાં જ કેમિકલને તેનો શ્વાસ રુંધી દેતાં આ ફાની દુનિયામાં આવ્યા પહેલાં જ બાળક પણ જતું રહ્યું હતું.
સાથે કામ કરનાર શ્રમિકે કહ્યું હતું કે કાલી અને સુલતાન બહુ પ્રેમાળ જોડી હતી અને બન્ને વચ્ચેનો પ્રેમ અમારા ટોળામાં ખૂબ જ સરાહનીય હતો. અમે તેમના મોતને હજુ સુધી સ્વીકારી શકતા નથી. સુલતાન ત્રણ ભાઈમાં બીજા નંબરનો દિલદાર હતો અને જ્યારે કાલી ઉર્ફે કિરણ પણ ખૂબ જ સોહામણી હતી. કિરણ ગર્ભવતી થઈ ત્યારથી સુલતાન પણ ધીરે ધીરે વધારે સ્થિર અને જવાબદારીવાળો બની ગયો હતો. જોકે આ દંપતી સહિત છ જણને મોતનો રસ્તો દેખાડનારા સામે યોગ્ય કાર્યવાહી થાય એ જ અમારી માગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.