ભારત ઘરઆંગણે પહેલી વાર બાંગ્લાદેશ સામે ટી-20 સીરિઝમાં રમશે. બંને દેશ વચ્ચે પહેલી ટી-20 3 નવેમ્બરે દિલ્હીમાં, બીજી ટી-20 7 નવેમ્બરે રાજકોટમાં અને અંતિમ ટી-20 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે. બાંગ્લાદેશની ટીમ 32 મહિના પછી ભારતમાં રમશે, ગઈ વખતે ટેસ્ટ સીરિઝ 1-0થી હારી હતી.
સીરિઝમાં નિયમિત કપ્તાન વિરાટ કોહલીને આરામ આપવામાં આવતા રોહિત શર્મા ટીમને લીડ કરશે. ઇજાના લીધે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા પણ ભાગ લેશે નહિ. ઓલરાઉન્ડર શિવમ દુબેને પહેલી વાર ટી20માં તક મળી છે. જ્યારે સંજુ સેમસનની ચાર વર્ષ પછી ટીમમાં વાપસી થઈ છે. સંજુ પોતાની એકમાત્ર ટી20 19 જુલાઈ 2015માં ઝિમ્બાબ્વે સામે રમ્યો હતો. તેણે તે મેચમાં 19 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ પણ શકિબ અલ હસન વિના રમશે.
ભારત બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 8 ટી20 રમવામાં આવી છે. ભારત એકપણ મેચ હાર્યું નથી. ભારતમાં બંને ટીમ વચ્ચે એકમાત્ર ટી20 23 માર્ચ 2016માં રમાઇ હતી. તે વર્લ્ડકપની ગ્રુપ મેચ હતી. ભારતે 1 રને જીત મેળવી હતી. બંને ટીમ વચ્ચે અંતિમ ટી20 18 માર્ચ 2018માં રમાઈ હતી. શ્રીલંકાના કોલંબો ખાતે ભારતે 4 વિકેટે જીત મેળવી હતી.
રોહિત અત્યાર સુધીમાં બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે. તેણે 8 મેચમાં 44.50ની એવરેજથી 356 રન કર્યા છે. બીજા નંબરે ઓપનર શિખર ધવન છે જેણે 7 મેચમાં 26.57ની એવરેજથી 186 રન કર્યા છે. બાંગ્લાદેશ વતી શબ્બીર રહેમાને સૌથી વધુ રન કર્યા છે. જોકે ટીમમાં તેનું ચયન થયું નથી. તેના પછી મુશફિકર રહિમે 8 મેચમાં 33ની એવરેજથી 165 રન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.