ગુજરાતના આ શહેરમાં ભાજપનો પાયો નાખનાર વ્યક્તિનું નામ કાપી નખાતા અંદરોઅંદર ડખો

2022 એટલે ચૂંટણીનું વર્ષ અને 2022ની શરૂઆતમાં જ કોઈને કોઈ મુદ્દે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે અને નેતાઓ દ્વારા પક્ષ પલટો કરવાની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ કોઈને કોઈ વાદવિવાદમાં અલગ-અલગ પાર્ટીઓ સંપડાઈ રહી હોય તેવા પણ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વ્યારા શહેર ભાજપ અને ભાજપ પ્રેરિત નગરપાલિકા સામસામે આવી હોય તેવું લાગી રહ્યું છે અને આ કહેવાનું કારણ એ છે કે, ભાજપ પ્રેરિત વ્યારા નગરપાલિકા અને વ્યારા શહેર ભાજપના આગેવાનોમાં જૂથવાદ જોવા મળ્યો છે. કારણ કે, વ્યારા શહેરમાં ભાજપનો પાયો નાંખનાર આગેવાનનું નામ કોમ્યુનિટી હોલ પર લખવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ નગરપાલિકાએ ભાજપના આગેવાનનું નામ કોમ્યુનિટી હોલ પરથી હટાવી દેતા એક મોટો વિવાદ સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર વ્યારા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનાર સ્વ. જગદીશ કાચવાલાનું નામ એક કોમ્યુનિટી હોલ પર લખવામાં આવ્યું હતું પરંતુ ભાજપ પ્રેરિત વ્યારા નગરપાલિકા દ્વારા સ્વ. જગદીશ કાચવાલાનું નામ કોમ્યુનિટી હોલ પરથી હટાવી દેવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત છે કે, સ્વ. જગદીશ કાચવાલાનો પુત્ર વ્યારા શહેર ભાજપ પ્રમુખ છે અને જગદીશ કાચવાલાનું નામ કોમ્યુનિટી હોલ પર મૂકવા બાબતે વ્યારા નગરપાલિકાની કારોબારી સમિતિ અને સંગઠનની કારોબારી સમિતિમાં સર્વ સંમતિ અનુસાર મંજૂરી આપવામાં આવી હતી અને છતાં પણ વ્યારા નગરપાલિકા દ્વારા સ્વ. જગદીશ કાચવાલાનું નામ એક સપ્તાહના સમયની અંદર જ કોમ્યુનિટી હોલ પરથી કાઢી નાખવામાં આવ્યુ હતું.

સ્વ. જગદીશ કાચવાલાનું નામ કોમ્યુનિટી હોલ પરથી કાઢવામાં આવતા તેમના પુત્ર દ્વારા આ બાબતે ભાજપના વ્યારા નગરપાલિકાના સભ્યો સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.અને આ વિવાદ ખૂલીને બહાર આવતા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કર્મચારીઓથી આ ભૂલ થઇ ગઈ છે અને તેમને સરકારી જવાબ આપીને પોતાની છટકબારી શોધી લીધી હતી.

બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઇને સ્વ. જગદીશ કાચવાલાના દીકરા એટલે કે વ્યારા શહેર ભાજપ પ્રમુખ દ્વારા આ સમગ્ર ઘટનાને લઇને ભાજપના મોવડી મંડળ સામે રજૂઆત કરવા અને ફરિયાદ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, ભાજપનું મોવડી મંડળ શહેર ભાજપ અને ભાજપ પ્રેરિત વ્યારા નગરપાલિકાના સત્તાધીશો વચ્ચે ચાલતા વિવાદને લઈને શું પગલાં ભરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.