સરકારમાં નિવૃત્ત અધિકારીઓને હવે એક્સટેન્શન મળવુ બનશે મુશ્કેલ….

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું નક્કી કર્યું છે કે સચિવાલયના વિભાગો તેમજ જાહેર સાહસોમાં અનિવાર્ય સંજોગોમાં એક્સટેન્શન આપવાનું રહેશે અને અન્યથા નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્રમોશન અને નવી ભરતીથી નિયુક્તિ કરવાની રહેશે.

કેટલીક કાયદાકીય અને ટેકનિકલ પોસ્ટ પર કર્મચારી કે અધિકારી ન હોય તો નિવૃત્ત થનાર અધિકારીને એક્સટેન્શન આપી શકાશે પરંતુ પ્રત્યેક નિવૃત્ત અધિકારીને એક્સટેન્શન આપવું હિતાવહ નથી અને સીએમઓના સૂત્રોએ કહ્યું હતું કે માહિતી વિભાગમાં એક ઓફિસરના એક્સટેન્શન પર રોક લગાવી દેવામાં આવી છે અને અન્ય વિભાગોના વડાને કહેવામાં આવ્યું છે કે તેમના વિભાગની એક એવી યાદી બનાવે કે જેમાં કેટલા ઓફિસરોને એક્સટેન્સન આપવામાં આવ્યું છે અને તેઓ કેટલા વર્ષથી એક્સટેન્શન મેળવી રહ્યાં છે.

સરકારનો કન્સેપ્ટ સારો એટલા માટે છે કે નિવૃત્ત થનારા અધિકારીઓની જગ્યાએ સેકન્ડ કેડરના ઓફિસરોને પ્રમોશન મળી રહે અને નવી ભરતી પણ કરી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે સચિવાલયના વિવિધ વિભાગો, અને જિલ્લા કચેરીઓ તેમજ બોર્ડ-નિગમમાં 220થી વધુ ઓફિસરો એક્સટેન્શન ભોગવી રહ્યાં છે. જે લોકો અત્યારે એક્સટેન્શન પર છે તેમને ફરીથી નિયુક્તિ આપવી નહીં તે જોવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

સરકારના કાયદા વિભાગમાં પોલિસી મેકરોની અછત છે. પાણી પુરવઠા બોર્ડ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવી કચેરીઓમાં ટેકનિકલ સ્ટાફ મળતો નથી અને તેથી તેવી કેટલીક જગ્યાએ ગુણદોષના આધારે એક્સટેન્શન આપવાનું રહેશે તેવો આદેશ કરવામાં આવ્યો છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કર્યા વિના કોઇપણ અધિકારીને એક્સટેન્શન આપવામાં આવે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.