જુગારની ક્લબ, દારૂની હેરાફેરી કે બુટલેગરનો હુમલો હોય આ બધું જ ઝોન-4 વિસ્તારમાં જ કેમ ??

ઝોન-4ના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનો કોઈને કોઈ મુદ્દાને લઇને સતત વિવાદમાં રહેતા હોય છે. આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વગદાર વહીવટદારોને પગલે સતત વિવાદ જન્મ લેતો હોવાનું ધ્યાને આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ વગદાર વહીવટદારોને કારણે પોલીસ કર્મચારીઓ પણ ગુનેગારો પર કાર્યવાહી કરવાના મુદ્દે અડચણો અનુભવે છે.અને જે પોલીસ કર્મચારી વહીવટદારોને તાબે ના થાય તેઓને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. વહીવટદાર-બુટલેગરો વચ્ચેનો વિવાદ હોય, જુગારની મોટી ક્લબ પકડાય કે દારૂની હેરાફેરીના કે બુટલેગરોના વીડિયો વાઇરલ થવાના તમામ વિવાદમાં ઝોન-4ના પોલીસ સ્ટેશનો મોખરે હોય છે. આ વિસ્તારના અમુક વહીવટદારો પર આઈપીએસ અધિકારીઓના ચાર હાથ હોવાથી ‘તેરી ભૂ ચૂપ, મેરી ભી ચૂપ’ની નીતિની જેમ બધા ચૂપ રહેવામાં શાણપણ સમજે છે.

દરિયાપુરમાં થોડા સમય પહેલા ગામા નામના શખ્સની ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને ક્વોલિટી કેસ કર્યો હતો. જો કે, આરોપીઓ સામે તેમજ જવાબદારો પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાઇ ન હતી.અને નાની માછલીઓ સામે કાર્યવાહી કરીને મગરમચ્છોને બચાવી લેવાયા હતા. આ જ રીતે તાજેતરમાં નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરાયો હતો. આ મામલે વાયરલ વીડિયોની તપાસ સોંપાઈ હતી. વહીવટદારોએ વધુ પૈસા માંગતા વિવાદ થયો જેમાં બુટલેગરની પત્ની અને બાળકને ધક્કો મારી જમીન પર પટકવામાં આવતા આ ઘટના બન્યાની ચર્ચા છે. જો કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મુદ્દે દારૂનું સ્ટેન્ડ ચાલુ હતું કે નહીં તેની કોઈ તપાસ કરાવી નથી. બીજીતરફ કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં દારૂના હપતા આપતા ઉદેસિંહ નામના શખ્સના માણસને પોલીસ જવાને દારૂની હેરાફેરી કરતા ઝડપ્યો પણ કોઈ દબાણથી જવા દેવો પડયાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત સરદારનગરમાં રાજુ ગેંડી સહિતના બુટલેગરો દ્વારા પોલીસ સાથે સતત ઘર્ષણના બનાવો બનતા આવ્યા છે. તમામ મુદ્દાઓમાં બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી થાય છે પણ આ બુટલેગરોને લાખોના હપ્તા લઈ મોટા કરનાર વહીવટદારો અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થતી નથી.

પોલીસ બેડામાં ચર્ચા મુજબ ઝોન-4ના પોલીસ સ્ટેશનમાં વહીવટ કરતા વહીવટદારો અનેક આઈપીએસ, શહેરના અન્ય પોલીસ સ્ટેશનો અને પોલીસ અધિકારીઓનો વહીવટ કરે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ વહીવટદારોમાં અમુક આઈપીએસ અધિકારી અને પોલીસ અધિકારીઓનો પણ વહીવટ કરતા તેઓની સામે કોઈ અવાજ ઉઠાવી શક્તું નથી.અને આમ, વહીવટદાર રાજ શહેરમાંથી દૂર થાય તેવી પોલીસ કર્મચારીઓની માંગ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.