ગુજરાતના સુરત શહેરમાં 23 હજાર કરોડનું કૌભાંડ, 28 બેંકોનો લગાવી દીધો ચૂનો, કૌભાંડી ક્યાં ભાગી ગયો ? 

સુરતમાં દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી સામે આવી છે. 28 બેંકોને ચુનો લગાવી રૂ. 22,842 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે, તે નીરવ મોદીના રૂ. 14 હજાર કરોડ અને વિજય માલ્યાના રૂ. 9 હજાર કરોડથી પણ અનેકગણુ વધુ છે. આ કેસમાં સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમિટેડ, તેના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત આઠ લોકો સામે કેસ દાખલ કર્યો છે અને સીબીઆઈએ 7 ફેબ્રુઆરીએ નિવારે કંપની અને તેના ડિરેક્ટરોના સુરત, ભરૂચ, મુંબઈ, પૂણે સહિત 13 પરિસરમાં દરોડા પાડ્યા અને મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કર્યા.

સૂત્રો અનુસાર, અગ્રવાલ સિવાય કંપનીના તત્કાલીન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ, રવિ વિમલ નેવેતિયા અને અન્ય એક કંપની એજીબી ઈન્ટરનેશનલ વિરુદ્ધ પણ ગુનાઈત કાવતરું, છેતરપિંડી, ગુનાઈત વિશ્વાસઘાતના કેસ દાખલ કરવામાં આવ્યા છે. ફોરેન્સિક ઓડિટમાં વર્ષ 2012-17 વચ્ચે આરોપીઓએ કથિત રીતે મિલિભગત કરીને સંપત્તિનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. લોન કોઈ બીજા હેતુથી લેવાઈ હતી અને પૈસાનો ઉપયોગ અન્ય કામમાં કરાયો હતો અને બાદમાં બેંકોએ 2016માં આ કંપનીના ખાતા એનપીએ અને 2019માં ફ્રોડ એકાઉન્ટ જાહેર કરાયા હતા.

નવેમ્બર 2019માં 28 બેન્ક દ્વારા CBIને ફરિયાદ કરાઈ હતી. દોઢ વર્ષ સુધી ચાલેલા કંપનીના ફોરેન્સિક ઑડિટમાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. ગત 7 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ દાખલ કરાઈ હતી અને અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા કંપનીનું ફોરેન્સિક ઑડિટ કરાયુ હતું. પ્રમોટરોએ સાંઠગાંઠ કરીને લોનની રકમ સગેવગે કરી હતી.

આ અંગેની મળતી વિગતો એવી છે કે, સુરતના મગદલ્લામાં 1985માં શરૂ થયેલી એબીજી શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી. 1991 સુધી સારો નફો કર્યો. જોકે, 2016માં કંપનીને 55.7 કરોડ ડોલરની ખોટ ખાધી. કંપનીનો ખર્ચ વધુ હોવાથી અને બિઝનેસ ઘટવાથી ખોટ વધતી ગઇ.

ફરિયાદ પ્રમાણે, ફ્રોડ કરનારી બે કંપની મુખ્ય છે. તેમાં એબીજી શિપયાર્ડ ઉપરાંત એબીજી ઇન્ટરનેશનલ પ્રા. લિ. પણ સામેલ છે. જોકે, બંને એક જ ગ્રૂપની કંપનીઓ છે. એલઆઇસી પણ છેતરપિંડીનો શિકાર બની છે અને તેને 136 કરોડ રૂ.નો ચૂનો લાગ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.