ભાજપની પોલીસી યુઝ એન્ડ્ર થ્રો છે :અર્જુન મોઢવાડિયા

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી સભ્યો પક્ષ છોડીને જતા રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ચર્ચા એવી થઈ રહી છે કે, કોંગ્રેસ અંદરખાને તૂટી રહી છે. પક્ષ સંગઠન નબળું પડી રહ્યું છે. મંગળવારે જયરાજસિંહ પરમાર જ્યારે ભાજપમાં જોડાવવાના છે ત્યારે કોંગ્રેસને રાજકીય રીતે મોટો ફટકો પડી રહ્યો છે. ચૂંટણી પહેલા તમામ પક્ષો રણનીતિ તૈયાર કરવા લાગ્યા છે.અને એક બાજું કોંગ્રેસ ચિંતન શિબિર કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસના મોટા કહેવાતા નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે.

ચૂંટણી પહેલા જ પક્ષ પલટાની મૌસમ શરૂ થઈ છે. કોગ્રેસના આગેવાનો તથા મોટાકદના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશી અને પક્ષના નેતા અર્જુન મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા છે. ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળીને શુદ્ધ થઈ રહ્યા છે. ભાજપમાં કોંગ્રેસ નેતાઓની થઈ રહેલી વેલકમ પાર્ટીઓથી ભાજપના પાયાના કાર્યકર્તાઓ નારાજ થઈ રહ્યા છે. ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. ભાજપના પાયાના કહેવાતા કાર્યકર્તાઓ ખુદ વિચાર કરે કે એમની દશા અને દિશા હવે શું છે?

ડૉ. દોશીએ એવું પણ ઉમેર્યું કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના મહિલા નેતા આનંદીબેન પટેલ ખુદ એક વખત એવું કહી ચૂક્યા છે કે, કાર્યકર્તાઓ હવે કોન્ટ્રાક્ટર થઈ રહ્યા છે. ભાજપે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓની ભરતી કરવાની જગ્યાએ રાજ્યમાં આરોગ્ય સેવા માટે તબીબો તથા પેરામેડિકલ સ્ટાફની ક્યારે ભરતી કરશે? જોકે, ભાજપ સામે તેમણે ભાજપના જ મોટા નેતાનો ઉલ્લેખ કરીને ટોણો માર્યો છે. અને દોશીએ ઉમેર્યું કે, નાગરિકોને એમના હક અને અધિકાર મળે એવી વ્યવસ્થા ગોઠવવા માટે ભરતી ક્યારે? ગુજરાત રાજ્યમાં સારી એવી શિક્ષણ વ્યવસ્થા માટે ભાજપ સરકાર શિક્ષકોની ભરતી ક્યારે કરશે? ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ થયેલી ભાજપ સરકાર માધ્યમવર્ગના અધિકારો પર તરાપ મારી રહી છે.

એવામાં એમની એવી ફરજ છે કે, મૂળ મુદ્દા પર રાજ્યમાં પારદર્શક ભરતી કરી ગુજરાતના યુવાનોને તથા વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપે. કોંગ્રેસના મોટાનેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપમાં ભેળવી દઈ ભાજપ એક દેખાવ કરે છે. ભાજપ સાથે જોડાયેલા લોકોના ભાગમાં માત્ર મજૂરી જ આવે છે. ભાજપ યુઝ એન્ડ થ્રોની પોલીસી અપનાવી રહી છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં આંતરિખ વિદવાદ સપાટી પર આવતો અટક્યો પણ કોંગ્રેસમાં અંદરખાને ભંગાણ પડી રહ્યા છે. અને વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ કેટલીક બેઠકો પર મજબુતી પ્રાપ્ત કરવા માટે રીતસર દોડ લગાવી રહી છે એવું રાજકીય સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.