જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2022માં કોઈ સામાન્ય નાગરિક નિશાન નથી બન્યા , 24 આતંકવાદીઓ ઠાર અને 5 જવાનો શહીદ

વીતેલા દોઢ મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં ઠાર થતા આતંકવાદીઓની સંખ્યા લગભગ બમણી થઈ ચૂકી છે. જાન્યુઆરીથી માંડીને 15 ફેબ્રુઆરી સુધીમાં અહીં લગભગ 24 આતંકવાદી ઠાર થયા છે અને તેમાં વિદેશી આતંકવાદીનો પણ સમાવેશ થાય છે.

સત્તાવાર આંકડા મુજબ, ગત વર્ષે આ સમયગાળામાં માત્ર 8 આતંકવાદી ઠાર થયા હતા. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને પ્રજા પર આતંકવાદી હુમલા થવાની ઘટના વધી જતાં કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આ વર્ષે આરંભિક બે મહિનામાં સુરક્ષા દળના પાંચ જવાનો પણ શહીદ થયા છે.અને સામાન્ય નાગરિકની કોઈ હત્યા નોંધાઈ નથી. જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2021 દરમિયાન 193 તો વર્ષ 2020માં 232 આતંકવાદી ઠાર થયા હતા.

એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, સુરક્ષા દળો વચ્ચે પહેલા કરતાં વધુ સમન્વય છે. અને 29 જાન્યુઆરીના રોજ બડગામ અને પુલવામામાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં જૈશ-એ-મહમદ અને લશ્કર-એ-તોયબાના 5 આતંકવાદી ઠાર થયા હતા. જમ્મુમાં એક ષડ્યંત્રનો પર્દાફાશ થતાં લશ્કર-એ-તોયબાના એક ત્રાસવાદીની ચીની હેન્ડ ગ્રેનેડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. મળેલી બાતમી આધારે તપાસ હાથ ધરવામાં આવતાં તેના નિવાસેથી હેન્ડ ગ્રેનેડ અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી.

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા મતવિસ્તારનું પરિસીમન કરવા રચાયેલા પંચની મુદતમાં કેન્દ્ર સરકારે એક જ વર્ષમાં બીજીવાર વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે 6 માર્ચ 2020ના રોજના જાહેરનામામાં સુધારો કરીને પંચની મુદતમાં બે મહિનાનો વધારો કર્યો છે. જાહેરનામાના બીજા ફકરામાં બે વર્ષની મદતનો ઉલ્લેખ હતો,અને જે વધારીને હવે બે વર્ષ અને બે મહિના એવો સુધારો કર્યો હતો. કાયદા અને ન્યાય મંત્રાલયે આ સુધારો જારી કર્યો હતો. હવે પરિસીમન પંચની મુદત 6 મેના રોજ પૂરી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.