કોંગ્રેસની ચિંતન શિબિર બાદ હવે પક્ષની ચિંતામાં થયો વધારો અને વધુ રાજીનામા પડ્યા..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો મજબુત થવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રોડમેપ તૈયાર કરી લીધો છે. પણ હજુ પણ કોંગ્રેસમાંથી વિદાય લેનારાઓની સંખ્યા વધી રહી છે. કોંગ્રેસે દ્વારકાથી ચિંતન શિબિરની શરૂઆત કરી છે. જોકે, આ ચિંતન શિબિર પૂર્ણ થતા કોંગ્રેસની ચિંતા વધી ગઈ હતી. અને શિબિર બાદ મજબુતી આવવાના બદલે સભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.

દ્વારકા જિલ્લામાંથી કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. કલ્યાપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સહકારી ક્ષેત્રે નામ ધરાવતા રાજાભાઈ પોસ્તરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. દ્વારકા જિલ્લામાં રાજાભાઈ પોસ્તરિયાની સારી એવી પકડ અને મજબુતી મનાતી હતી. એમના રાજીનામા પાછળ કોંગ્રેસને આંતરિક વિખવાદ કારણભૂત હોવાનું જવાબદાર માનવામાં આવે છે.

રાજાભાઈએ કોંગ્રેસમાંથી વિદાય લઈ લીધી છે. આ મામલે તેમણે જિલ્લા પ્રમુખને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હવે કલ્યાણપુર તાલુકામાં કોંગ્રેસ માટે સ્થિતિ ડામાડોળ થઈ ચૂકી છે. જોકે, હજુ સુધી કોંગ્રેસના કોઈ પદાધિકારીઓએ આ અંગે કંઈ કહેવાની તસ્દી લીધી નથી. જોકે, આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા ગણાતા જયરાજસિંહ પરમારે રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં મોટી તિરાડ પડી હતી. તેમણે પણ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. એ પછી દિનેશ શર્માએ કોંગ્રેસ છોડીને ભાજપની વાટ પકડી હતી.અને આવી સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસમાં પડી રહેલા ભંગાણથી રાજકીય ગરમાવો આવી રહ્યો છે.

જ્યારે બીજી બાજું ભાજપ વિધાનસભાની ચૂંટણી પહેલા જ લડી લેવાના મુડમાં છે. દ્વારકા જિલ્લાનું રૂપેણ બંદર કોંગ્રેસનો ગઢ મનાય છે. પણ પક્ષની કરોડરજ્જુ તૂટી હોય એવો અહીં ઘાટ છે. કોંગ્રેસમાંથી અનેક કાર્યકર્તાઓએ છેડો ફાડી નાંખ્યો છે. જેમાં મોટાભાગના રૂપેણ બંદરના હોવાનું મનાય છે. હકીકત એવી પણ છે કે, કોંગ્રેસના મોટાનેતા અર્જુન મોઢવાડિયાએ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની તુલના અમદાવાદના ડોન લતિફ સાથે કરાતા મુસ્લિમ સમાજમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો. મોઢવાડિયાના નિવેદનના ઊંડા પડઘા પડ્યા. રૂપેણ બંદર પાસેના વિસ્તારમાંથી લઘુમતિ સમાજના 1000 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો.અને આ તમામ કાર્યકર્તાઓ પબુભાની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.