રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓ વધ્યા છે. ત્યારે આપઘાતની વધુ એક ઘટના રાજકોટના ગોંડલમાં સામે આવી છે કે, જ્યાં દીકરીના લગ્ન કરાવ્યા બાદ દીકરીના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.અને દીકરીના લગ્ન બાદ પિતાએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારના અન્ય લોકોને થતા તેઓ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા પરંતુ હોસ્પિટલ સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું હતું.
રિપોર્ટ અનુસાર ગોંડલ તાલુકામાં આવેલા મોવિયા ગામમાં મુકેશ ગોંડલીયા નામના વ્યક્તિ તેના પરિવારની સાથે રહેતા હતા. મુકેશ ગોંડલીયાએ તેમના ઘરે 25 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યોને થઇ હોવાના કારણે પરિવારના સભ્યો દ્વારા મુકેશ ગોંડલીયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મુકેશ ગોંડલીયાનું સારવાર દરમિયાન નિધન થયું હતું. અને પરિવારના મોભીનું નિધન થતા જ પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મુકેશ ગોંડલીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. તો પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, મુકેશ ગોંડલીયાને સંતાનમાં એક દીકરી હતી. મુકેશ ગોંડલીયાની પત્નીનું 10 વર્ષ પહેલાં કોઈ કારણોસર અવસાન થયું હતું. પત્નીના અવસાન બાદ મુકેશ ગોંડલીયા તેમની દીકરી રિદ્ધિ સાથે રહેતા હતા. પિતા અને પુત્રી એકબીજાનો સહારો હતા. પરંતુ રિદ્ધિના લગ્ન બાદ મુકેશ ગોંડલીયા ઝેરી દવા પીને આપઘાત કર્યો. પિતાના મોતની વાત દીકરીને જાણવા મળતા દીકરીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.અને મુકેશ ગોંડલીયાએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કેસમાં સતત વધારો થયો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. અને કોઈ વ્યક્તિએ વ્યાજખોરોના આતંકના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવે છે તો કોઈ વ્યક્તિએ બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવે છે. તો બીજી તરફ કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાથી મોત થશે તેવા ડરના કારણે પણ દર્દીઓ હોસ્પિટલમાં અથવા તો પોતાના ઘરે આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.