અમદાવાદથી કેવડિયા જતી ટ્રેન હવે આ સ્ટેશને પણ ઉભી રહેશે જાણો વિગતે..

રેલવે વિભાગે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ (09247 – 09248)નું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 9 મી માર્ચથી જનશતાબ્દી ટ્રેન તેના નિયત સમયે અમદાવાદ ખાતેથી રવાના થઇને નડિયાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. આ ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે નડિયાદ સ્ટેશનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળતા સ્થાનિક નગરજનો સહિત ખેડા જિલ્લાના મુસાફરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની જવા માટે સુવિધા મળી રહેશે.અને જેનાથી આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

વધુમાં બાંદ્રાથી અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ અને મુંબઈથી ઓખા સૌરાષ્ટ્ર મેલના જતા રૂટમાં નડિયાદ ખાતે સ્ટોપેજ હતું ,પરંતુ પરત ફરતા રૂટમાં નડિયાદ રેલવે સ્ટેશનને ઉમેરવાની પણ માગણી લાંબા સમયથી પડતર હતી તે બાબતને પણ ધ્યાને લઇને નડિયાદ રેલવે સ્ટેશનને આ બંને ટ્રેનોના રૂટમાં સ્ટોપેજમાં ઉમેરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે. કે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેના સન્માનમાં સર્જન થયું છે તે સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદને જ આ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું ન હોઈ લોકોની માગણીને ધ્યાને લઇ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ નડિયાદને આ ટ્રેનનું સ્ટોપેજ આપવા રેલ મંત્રાલયમાં રજૂઆત કરી હતી. તેમણે સતત જનશતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળી રહે તે અંગે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. સાંસદની રજૂઆતને ધ્યાને લઇ રેલવે વિભાગ દ્વારા અમદાવાદ – કેવડિયા (એકતા નગર) જન શતાબ્દી એક્ષપ્રેસને નડિયાદ તારીખ 9 માર્ચથી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું કે સરદાર સાહેબના જન્મ સ્થળ નડીયાદથી સમગ્ર ખેડા જિલ્લામાંથી વધુ ને વધુ વ્યક્તિઓ આ ટ્રેનનો લાભ લે તે જરૂરી છે. 22927 બાંદ્રા ટર્મિનલથી અમદાવાદ લોકશક્તિ તથા 22945 મુંબઈ સેન્ટ્રલથી ઓખા સૌરાષ્ટ્ર મેલ પણ હવેથી નડિયાદ ઊભો રહેશે.અને આજના કાર્યક્રમમાં વડોદરા ડિવિઝનના ડી.આર.એમ અમિત ગુપ્તા તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.