સરકાર બનાવવા માટે શિવસેના સાથે કોઇ વાતચીત નથી થઇ: શરદ પવાર

પવારે કહ્યુ-અમને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો, સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાની અટકળો નકારી

નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) પ્રમુખ શરદ પવારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. બાદમાં પવારે કહ્યુ હતુ કે, અમે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી તેમને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે માહિતી આપી છે. તેમની સાથે સરકાર રચવા અંગે કોઇ વિશેષ વાતચીત નથી થઇ. જો કે તેમની વચ્ચે ફરીવાર મુલાકાત કરવા પર સહમતિ બની છે. રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યુ હતુ કે સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાની અટકળોને નકારી કાઢી હતી.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર અવઢવની સ્થિતિ પર પવારે કહ્યું કે, રાજ્યના લોકોએ અમને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. જો કે અમારી પાસે સરકાર બનાવવા માટે જરૂરી સંખ્યાબળ નથી. ભાજપ અને તેના સહયોગીઓ પાસે જરૂરી સંખ્યાબળ હોય તો સરકાર બનાવવાની જવાબદારી તેમની પાસે છે. અમે જોઇશું કે આગળ શું થાય છે.

સજંય રાઉત તરફથી NCP નેતા અજીત પવાર સાથે મુલાકાત અંગેના પ્રશ્ર્ન પર પવારે કહ્યું કે, શિવસેનાએ ભાજપ વિરૂદ્ધ મહારાષ્ટ્રમાં એક મોટુ પગલું ભર્યું છે. સરકારને લઇને અમારી શિવસેના કે અન્ય કોઇ સાથે કોઇ વાતચીત નથી થઇ, તેમજ અમને કોઇ ઓફર પણ મળી નથી.

બીજી તરફ મુંબઈમાં શિવસેના નેતા સંજય રાઉત અને રામદાસ કદમે સોમવારે સાંજે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ રાઉતે કહ્યું કે અમે રાજયપાલને એ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકારે ન બનવા માટે શિવસેના જવાબદાર નથી. તેમણે કહ્યું કે જેની પાસે બહુમતી હોય, તે સરકાર બનાવે. આ પહેલા રાઉતે કહ્યું હતું કે તેમની પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે અને મુખ્યમંત્રી શિવસેનાના હશે. રાઉતે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરવા માટે સરકારી એજન્સીઓ અને અપરાધીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.