દિવસે દિવસે સતત અને સખત રીતે વધી રહેલી મોંઘવારીએ લગ્ન પ્રસંગમાં જમાતી ડીશનો સ્વાદ પણ ફિક્કો કરી નાંખ્યો છે. પાંચ દિવસના પ્રસંગમાં હવે યજમાન માત્ર બે દિવસ પૂરતું જ જમણવાર રાખે છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ, સિંગતેલ બાદ લિંબુના ભાવમાં વધારો થતા સામાન્ય માણસ આર્થિક રીતે નીચોવાઈ ગયો છે. શાકભાજીના ભાવમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં 5થી 10 રૂપિયાનો વધારો થયો છે.અને જેના કારણે મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. લીંબુ રૂ.300ના કિલો મળી રહ્યા હોવાથી ખાણી પીણીના દરેક પાર્સલમાંથી લીંબુ ગાયબ થઈ ગયા છે.
રાજકોટ પાસેના ધોરાજીમાં આવેલા હિરપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગે પીઠીની વિધિમાં વરરાજાને મીઠાઈના બોક્સમાં લીંબુ આપવામાં આવતા ઘટના હાસ્યાસ્પદ બની હતી. લગ્ન પ્રસંગે પણ કટાક્ષ સાથે એક વિરોધ જોવા મળ્યો છે. મિત્રોએ ભેગા થઈને પૈસા, ગિફ્ટ કે અન્ય કોઈ વસ્તુ દેવાના બદલે મીઠાઈના બોક્સમાં લીંબુ ગિફ્ટ પેટે આપ્યા છે. જેના ફોટો રાજકોટના સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જ્યારે મિત્રોએ પીઠીની વિધિમાં વરરાજાને લીબું આપ્યા ત્યારે ત્યાં આવેલા મહેમાનો પેટ પકડીને હસ્યા હતા. એટલું જ નહી વરરાજા પણ ખડખડાટ હસી પડ્યા હતા. લીંબુ પણ એક મોટી અને મોંઘી ભેટ સમાન બન્યા છે એવું વરરાજાના મિત્રોએ માનીને લીંબુ ગિફ્ટમાં આપ્યા છે.અને લીંબુના વધી રહેલા ભાવને કારણે સૌ કોઈનું ઘ્યાન ખેંચવા આ રીતે ગિફ્ટ આપવામાં આવી હતી. મહેમાન પણ હસવું રોકી શક્યા ન હતા.
આ પ્રસંગમાં આવેલા દિનેશભાઈએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં શાકભાજી અને લીંબુના ભાવમાં તોતિંગ વધારો થયો છે. વધતી મોંઘવારી સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે. જેના કારણે દરેક લોકો એક મોટી મુશ્કેલી ભોગવી રહ્યા છે. લગ્નગાળાની સીઝનમાં લીંબુની સૌથી વધારે જરૂરિયાત હોય છે. આવી સ્થિતિમાં પ્રશાંત મોણપરાના લગ્નમાં આ ચિત્ર જોવા મળ્યું છે.અને પરોક્ષ રીતે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે, લીંબુના વધી ગયેલા ભાવને કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.
જેને કંટ્રોલ કરવા માટે સરકાર પગલાં ભરે. લીંબુના ભાવો પર સરકાર નિયંત્રણ લાવે. આ પહેલા એક લગ્ન પ્રસંગે ગિફ્ટ રૂપે વર કન્યાને એક લિટરની પેટ્રોલની બોટલ આપી હતી. કારણ કે, હાલમાં પેટ્રોલના ભાવ રૂ.100ને પાર થઈ ગયા છે. જોકે, લગ્ન પ્રસંગે પણ આ રૂપે સરકાર સામે કટાક્ષ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ જ્યાં લગ્ન પ્રસંગ ધરાવતા યજમાનને પણ આ મોંઘવારી પોસાતી નથી તો સામાન્ય માણસને તો કેમ પોસાય?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.