દિલ્હીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો આ ઘટનામાં અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા.

દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકાળવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. જે બાદ બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. તોફાની તત્ત્વોએ પથ્થરમારો કરવા સાથે જ ગાડીઓમાં તોડફોડ કરી છે.અને જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને બાબૂ જગજીવનરામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

હાલ તો સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિને જોતા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.અને આ સિવાય તોફાનીઓની ઓળખ કરવા માટે પોલીસ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.

આ અંગે પોલીસનું કહેવું છે કે, જહાંગીરપુરી વિસ્તારના કુશલ સિનેમા નજીક શોભાયાત્રામાં લોકો ઉપર પથ્થરમારો થયો હતો.અને જે બાદ તોફાની ટોળાએ બે વાહનો અને એક દુકાનને આગના હવાલે કરી દીધી હતી. હાલ તો સ્થિતિ કાબૂમાં છે અને પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં પણ રામનવમીના પર્વ પર શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. અને ગુજરાતમાં પથ્થરમારા બાદ ફાટી નીકળેલી હિંસામાં 1 શખ્સનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.