નેતાઓના બફાટથી પરેશાન થઈ ગયું ભાજપ, હવે બધાને ચૂપ રહેવા અને સોશ્યિલ મીડિયામાં પણ સચેત રહેવાની સૂચના

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, એ સમયે સત્તા પક્ષ ભાજપને કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટીનો (AAP)થી વધુ ડર લાગી રહ્યો છે. અને એન્ટી-ઈન્કમ્બન્સી (સત્તાધારી પક્ષ પ્રત્યે પ્રજાનો અસંતોષ) જગાવવા AAP અવનવા પ્રયોગો કરી રહી છે. હવે આની આડઅસર ભાજપના નેતાઓ કે પ્રજામાં ના પડે એ માટે ભાજપ હાઇકમાન્ડે ખાસ સૂચનાઓ આપી છે.અને ભાજપના નેતાઓ તેમજ કાર્યકરોને ઉપરથી ચૂપ રહેવાની સાથે સોશિયલ મીડિયામાં પણ સચેત રહેવા કહેવાયું છે.

પોતાનાં ટ્વીટ અને ભાષણને ચોટદાર બનાવવાના ચક્કરમાં ગુજરાત ભાજપમાં કેટલાક નેતાઓની જીભ વારંવાર લપસી જાય છે. એને કારણે પક્ષને ડેમેજ થાય છે અને પછી કંટ્રોલ કરવું અઘરું થઈ પડે છે. હવે ગાંધીનગર અને કમલમમાંથી ભાજપના આવા કેટલાક નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે.અને એટલું જ નહીં, આ મામલે શહેર તથા જિલ્લાના ભાજપના પ્રભારીઓ અને પ્રમુખોને આ નેતાઓની હિલચાલ પર નજર રાખવા માટે ખાસ સૂચના અપાઇ છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીના મામલે અગાઉ ભાજપ-પ્રમુખ સીઆર પાટીલે ચોક્કસ ધારાધોરણ કહ્યા હતા. આમાં ફિટ ન બેસતા વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ નહીં આપવાનું કઠોર નિવેદન પાટીલે કરતા તો કરી દીધું, પણ પછી મોટો વિવાદ થયો. આ વિવાદને લીધે જ પાટીલે તાબડતોબ ફેરવી તોળવું પડ્યું અને ભાજપને અંદરખાને ડર છે કે જ્ઞાતિનાં સમીકરણોના આધારે નેતા બનેલાને ઘેર તો બેસાડ્યા તો, આવા નેતાઓ પક્ષપલટો કરીને ભાજપને ઘેર બેસાડી શકે છે.

2022ની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો સાથે જંગી બહુમતી મેળવીને ભાજપ ફરી સત્તા પર આવવા માગે છે. આ માટે જ પક્ષના હાઇકમાન્ડે કઠોર નિર્ણય લઇને ગત સપ્ટેમ્બરમાં આખું રૂપાણી મંત્રીમંડળ બદલી નાખ્યું હતું. ભાજપના કેટલાક દિગ્ગજો કે જેઓ સમાજ અને જ્ઞાતિના જોરે પક્ષમાં પ્રેશર બનાવીને મંત્રી બની ગયા હતા તેમને ઘરભેગા કરી દેવાયા હતા, પરંતુ હવે આવા દિગ્ગજો ઘેરબેઠા ભાજપને ઘરભેગો કરવા ગોઠવણો કરી શકે એવાં ભયસ્થાનો પક્ષને દેખાય છે.અને આ માટે તેમની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવા ચોક્કસ વ્યક્તિઓને કામ સોંપાયું છે.

ભાજપે છેલ્લાં આઠેક વર્ષમાં દેશભરમાં જે જોરદાર પ્રગતિ કરી છે એનો સૌથી વધુ જશ સોશિયલ મીડિયાને જાય છે. ટ્વિટર હેન્ડલ ઉપરાંત ફેસબુક પર ભાજપે જંગી સભ્યો બનાવ્યા છે. આ ઉપરાંત પક્ષની વિચારધારાને અનુરૂપ બાબતો પળવારમાં લાખો સોશિયલ મીડિયા યુઝર સુધી પહોંચી જાય છે, પરંતુ હવે AAP આ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભાજપને મુશ્કેલીમાં મૂકી રહી છે અને જેથી હવે ભાજપને જ સોશિયલ મીડિયાનો ડર લાગે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.