અમદાવાદ શહેરના અતિ ચકચારી આઈશા મકરાણી આપઘાત કેસમાં તેના પતિ આરીફખાનને અધિક સત્ર ન્યાયાધીશ ચિરાયુ એસ. અધ્યારૂએ ગુનેગાર ઠરાવીને 10 વર્ષની જેલની સજા તેમજ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર તરફથી 26 સાક્ષીઓ અને બચાવપક્ષ તરફથી બે સાક્ષીઓ તપાસમાં આવ્યા હતા. સરકારી વકીલ વર્ષા કે.રાવે કોર્ટને જણાવ્યુ હતુ કે તમામ સાક્ષીઓ જુબાનીમાં ફીટ બોલ્યા છે.અને આરોપી સામે કેસ પુરવાર થયો છે. આથી આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસાડવા માટે કડકમાં કડક સજા ફટકારવી જોઈએ.
બીજી તરફ બચાવ પક્ષ તરફથી પૂનમ પંડયાએ કોર્ટને જણાવ્યું હતુ કે, આખો કેસ ખોટો કરવામાં આવ્યો છે.અને નાની ઉંમર છે, એટલે સજા ઓછી કરવી જોઈએ.
વટવામાં રહેતી આઈશા મકરાણીએ તેના પતિ આરીફખાનના શારિરીક અને માનસિક ત્રાસના કારણે વર્ષ 2021માં આત્મહત્યા કરી હતી.અને જેમાં પોલીસે આઈશા મકરાણીના પતિ આરીફ્ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી.
જેમાં ખાસ સરકારી વકીલ વર્ષા કે. રાવે આરોપી સામે પુરાવાનું લીસ્ટ રજૂ કર્યુ હતુ. જેના પગલે કોર્ટે આરોપી આરીફખાન સામે ગત તા.2-11-2021ના રોજ IPCની કમલ 306 અને 498(ક) મુજબ ચાર્જફ્રેમ કર્યો હતો. આ પછી સરકારી વકીલ દ્વારા કુલ 26 સાક્ષીઓની જુબાની તથા ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી.અને આ પછી આરોપી તરફથી કોર્ટમાં કાનૂની ગુંચ ઉભી કરીને ચાર્જફ્રેમમાં સુધારો કરવા માટે જે અરજી કરેલી તે કોર્ટે ફગાવી દીધી હતી.
સરકારી વકીલ દ્વારા તપાસમાં આવેલા સાક્ષીઓની જુબાનીમાં આઈશા મકરાણીનો મોબાઈલ નાશ કરવા અને દહેજ પ્રતિબંધક ધારાના પુરાવા આવ્યા હતા. જેના પગલે સરકારી વકીલ વર્ષા કે. રાવે કોર્ટમાં અરજી આપીને પુરાવાના નાશ કરવાની અને દહેજ પ્રતિબંધક ધારાની કલમો ચાર્જફ્રેમમાં ઉમેરો કરવા માટે અરજી કરી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે સરકારી વકીલની અરજી ગ્રાહ્ય રાખીને ચાર્જફ્રેમમાં પુરાવાના નાશ અને દહેજ પ્રતિબંધક ધારાનો ઉમેરો કરવા માટે હુકમ કર્યો હતો.અને આજે કોર્ટે આરોપી આરીફખાનને ગુનેગાર ઠરાવીને 10 વર્ષની સજા તેમજ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.