રેલવેની તૈયારી કરતા ઉમેદવારોને ઝટકો, આ પદ થયા સમાપ્ત જાણો વિગતવાર…

રેલવેમાં નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે માઠા સમાચાર છે. કારણ કે રેલવે બોર્ડે કેટલીક પોસ્ટ પર નિમણૂંકો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. જણાવી દઈએ કે ભારતીય રેલવેમાં આઉટસોર્સિંગને કારણે હવે આસિસ્ટન્ટ કૂક, બિલ પોસ્ટર, ટાઈપિસ્ટ, માળી, દફતારી, સુથાર, ખલાસી અને પેઇન્ટર જેવી પોસ્ટ નાબૂદ કરવામાં આવશે. ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલી આંતરિક સમીક્ષા પછી આ પોસ્ટને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે આ પદો પર ક્યારેય ભરતી કરવામાં આવશે નહીં.અને રેલવે આ પોસ્ટ પર કામ આઉટસોર્સિંગ દ્વારા જ પતાવશે. તેની પાછળ રેલવેનો હેતુ વિભાગના રૂપિયા બચાવવાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે..

માહિતી મુજબ રેલવેની વિવિધ શ્રેણીઓમાં કુલ 60 હજાર કર્મચારીઓમાંથી 14,329 પદ ખાલી છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ખૂબ જ ટૂંક સમયમાં રેલવે નોટિફિકેશન બહાર પાડશે અને આ ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાને વેગ આપશે. પરંતુ રેલવેએ આ જગ્યાઓ પર ભરતી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. જેની ફરી ક્યારેય ભરતી કરવામાં આવશે નહીં. રેલવેનો આ નિર્ણય લાખો યુવાનો માટે આંચકો સમાન છે જેઓ આ જગ્યાઓ માટે ભરતીની તૈયારી કરી રહ્યા હતા. જણાવી દઈએ કે રેલવેના જણાવ્યા મુજબ તકનીકી વૃદ્ધિને કારણે આ પોસ્ટ પર તૈનાત કર્મચારીઓ માટે પૂરતું કામ નથી બચ્યુ.અને રેલવેના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે જે જગ્યાએ કર્મચારીઓની જરૂર છે ત્યાં કામ આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રેલવે બોર્ડના અધ્યક્ષે આ સંબંધમાં તમામ ઝોનલ જનરલ મેનેજરોને પત્ર લખીને માનવ સંસાધન પર થતા ખર્ચને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. તેમનું કહેવું છે કે રેલવે વતી કુલ ખર્ચના 67 ટકા માત્ર માનવ સંસાધન પર જ કરવામાં આવે છે. આ કારણોસર, રેલવેએ ઓછા કામવાળી પોસ્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે.અને આ સાથે તેમને કામના સ્થળ અને કામનો રિપોર્ટ તૈયાર કરીને આઉટસોર્સ માટે દરખાસ્ત તૈયાર કરીને બોર્ડને મોકલવા પણ કહેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.