એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને રવિવારે મોટી સફળતા મળી છે. EDએ બાંગ્લાદેશમાં 9 હજાર કરોડની બેંક ફ્રોડના માસ્ટરમાઇન્ડ સહિત 6 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ બાંગ્લાદેશના રહેવાસી છે. EDએ તમામ 6 આરોપીઓ સામે મની લોન્ડરિંગ હેઠળ કાર્યવાહી કરી છે. આરોપીઓ પોતાની ઓળખ છુપાવીને ભારતમાં રહેતા હતા. તેમણે પોતાનું આઈડેન્ટી કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ પણ અહીં જ બનાવી લીધા હતા અને પશ્ચિમ બંગાળમાં પ્રોપર્ટી ખરીદીને બિઝનેસ કરતા હતા
EDએ આ સમગ્ર ગેંગનો પર્દાફાશ કર્યો છે. ED ના કહેવા મુજબ, પ્રશાંત કુમાર હલદર આ સમગ્ર કેસનો માસ્ટર માઇન્ડ છે અને તેણે અહીં પોતાની ઓળખ ભારતીય નાગરિક તરીકે આપી અને પછી છેતરપિંડીના નાણાંથી અહીં મિલકતો ખરીદી અને ધંધો કર્યો હતો. હજુ EDની પુછપરછ ચાલું છે.
EDએ ધરપકડ કરતા પહેલા બાંગ્લાદેશી નાગરિકોના 11 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને તેમની શોધખોળ કરી હતી. EDએ પશ્ચિમ બંગાળમાં પ્રશાંત કુમાર હલદર, પ્રિતેશ કુમાર હલદર અને તેમના સહયોગીઓના સ્થળોની તપાસ કરી હતી અને જે બાદ પ્રશાંત કુમાર હલદરની તેના અન્ય પાંચ સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
EDએ કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે પ્રશાંત કુમાર હલદર પશ્ચિમ બંગાળમાં ભારતીય નાગરિક તરીકે રહેતો હતો અને તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. બંગાળમાં તે શિબશંકર હલદર તરીકે જાણીતો હતો.અને એવું પણ બહાર આવ્યું હતું કે તેણે તેના અન્ય સહયોગીઓ સાથે મળીને બનાવટી સરકારી ઓળખ પણ બનાવી લીધા હતા.
EDએ કહ્યું કે પ્રશાંત કુમારે ભારતમાં પણ છેતરપિંડી કરી છે અને સરકારી વિભાગોને ગેરમાર્ગે દોર્યા છે. બાંગ્લાદેશી નાગરિક હોવા છતાં તેણે પોતાની ઓળખ છુપાવી હતી અને નકલી ઓળખના આધારે ભારતમાં કંપનીઓ બનાવી હતી.અને પશ્ચિમ બંગાળમાં પણ મિલકતો ખરીદી લીધી હતી.
તપાસ બાદ EDએ આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. EDએ કહ્યું કે પ્રશાંત કુમાર હલદરે બાંગ્લાદેશમાં 10 હજાર કરોડથી વધુ બાંગ્લાદેશનું ચલણ ટાકા (ભારત 9 હજાર કરોડ રૂપિયા)ની બેંક છેતરપિંડી કરી છે. તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે અને એવો આરોપ છે કે પ્રશાંત કુમારે બાંગ્લાદેશની બહાર અન્ય ઘણા દેશોમાં પણ નાણાંની ગેરરીતિ કરી છે.
બાંગ્લાદેશ સરકારની વિનંતી પર ઇન્ટરપોલે પ્રશાંત કુમાર હલદર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. EDએ મુખ્ય આરોપી પ્રશાંત કુમાર ઉર્ફે શિબાશંકર હલદરની સાથે તેના સહયોગીઓ સ્વપન મિસ્ત્રી, ઉત્તમ મિસ્ત્રી, ઇમામ હુસૈન ઉર્ફે ઇમોન હલદર, શર્મી હલદર અને પ્રનેશ કુમાર હલદરની પણ ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.