ઔદ્યોગિક સાથે સામાજીક વિકાસ માટે મહત્વનો દિલ્હી-મુંબઇનો ગ્રીન એક્સપ્રેસ હાઇવે માર્ચ 2023માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ હાઇવે કુલ 1380 કિલોમીટરની લંબાઇ ધરાવે છે અને તેની પાછળ 98000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે અને આ હાઇવે ગુજરાતમાં 423 કિલોમીટરની લંબાઇ ધરાવે છે.
માર્ગ-મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે હાઇવે બની રહ્યો છે તેમાં 35000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેમાં 60 મોટા બ્રીજ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને આઠ આરઓબી નિર્માણ પામશે. ભરૂચ પાસે નર્મદા નદી પર બાંધવામાં આવી રહેલો આઇકોનિક બ્રીજ ભારતનો પ્રથમ આઠ લેનનો બ્રીજ હશે અને નવા એક્સપ્રેસ હાઇ-વેથી દિલ્હી અને મુંબઇ વચ્ચેનો મુસાફરી સમય 24 કલાક થી ઘટીને 12 કલાક થશે.
આ હાઇવે રાજસ્થાનના 380 કિલોમીટર, મધ્યપ્રદેશના 370 કિલોમીટર, મહારાષ્ટ્રના 120 કિલોમીટર અને હરિયાણામાં 80 કિલોમીટરની લંબાઇ ધરાવે છે. કુલ પાંચ રાજ્યોના મોટા શહેરો જેવાં કે જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા અને સુરતનું ડેવલપમેન્ટ ઝડપથી શઇ શકશે.
આ ગ્રીન હાઇવેની શરૂઆત માર્ચ 2019માં કરવામાં આવી હતી. 1380 કિલોમીટર પૈકી 1200 કિલોમીટરના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે. ગુજરાતમાં કુલ 390 કિલોમીટરના માર્ગ માટે હાલ કામ ચાલી રહ્યું છે.અને ગુજરાતના દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે.
આ હાઇવેમાં વડોદરા-અંકલેશ્વરનો 100 કિલોમીટરનો વિસ્તાર બાંધકામના અંતિમ તબક્કામાં છે અને માર્ચ 2023 સુધીમાં અંકલેશ્વરથી તલસારી સુધીનો બાકીનો વિભાગ પૂર્ણ થતાં વડોદરાથી મુંબઇ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી શકાશે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાઇવે પર 40 લાખ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ કોરિડોરમાં ત્રણ વન્યજીવન અને સાત કિલોમીટરની સંયુક્ત લંબાઇ સાથે પાંચ ઓવરપાસ હશે જે વન્ય જીવોની હિલચાલ માટે સમર્પિત બનશે.અને આ હાઇવેના નિર્માણમાં 1.2 મિલિયન ટન સ્ટીલ અને આઠ મિલિયન ટન સિમેન્ટ વપરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.