છેલ્લાં કેટલાંય સમયથી હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળોને હવે અંત આવશે. કારણ કે હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હવે નક્કી થઇ ગયો છે.અને 2 જૂનના રોજ હાર્દિક પટેલ કમલમમાં C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે.
એક ખાનગી મીડિયા ચેનલ સાથેની ખાસ વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે હવે બસ યોગ્ય સમય આવે એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે જે તે પાર્ટીમાં જોડાઈશ. તેમણે વધુમાં કહ્યું હતું કે જનતાના કામમાં મોડું કરવાનું જ ન હોય, આ જ મહિનામાં હું તમામ એલાન કરી દઈશ.
હાર્દિક પટેલે ઈન્ટરવ્યુમાં જેટલી પણ વાતો કરી તેમાં ખાસ કરીને ભાજપના મુદ્દાઓ પર નરમ વલણ દર્શાવ્યું હતું.અને રામ મંદિર, કલમ 370નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જનતા આ મુદ્દાઓને પસંદ કરે છે અને ભાજપને જીતાડે છે એમાં સ્વીકાર કરવો રહ્યો. જનતાનો મૂડ આ જ છે અને જનતાનો મૂડ જે હશે તે તરફ જ હું નક્કી કરવાનો છું. હાર્દિકના આ નિવેદનથી સંકેત એ જ દેખાઈ રહ્યો છે કે આગામી સપ્તાહ સુધીમાં પાટીદાર નેતા કેસરિયો ધારણ કરી શકે છે.
નોંધનીય છે કે આજે હાર્દિક પટેલે ચૂંટણી લડવા મુદ્દે પણ ખુલાસો કર્યો છે કે હું એકમાત્ર એવો આંદોલનકારી છું કે જે ચૂંટણી લડી શક્યો નથી, પહેલા મારી ઉંમર નાની હતી અને તે બાદ મારા પર કેસ કરી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે મોકો મળી રહ્યો છે અને ત્યારે હવે ચૂંટણી લડીશ અને જીતીશ. જોકે કઈ બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તે મુદ્દે કોઈ ફોડ પાડ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.