પેટ્રોલ ડીઝલના ભાવમાં ભલે એક રૂપિયો પણ કેમ ઓછો ન થાય, સામાન્ય માનવની રાહતની લાગણી અનુભવાય છે. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવો વધતા એક પણ ચીજવસ્તુ બાકી નથી જેના ભાવ આસમાને પહોંચ્યા ન હોય. શાકભાજી, તેલ , કઠોળ , દૂધ ઉત્પાદનની વસ્તુઓ સહિત તમામના ભાવમાં વધારો નોંધાયો છે અને ત્યારે હવે જનતાને મોંઘવારીથી થોડી રાહત મળી શકે છે.
ઓપેક, રશિયા અને અન્ય સહયોગી દેશો ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારીને 6.48 લાખ બેરલ પ્રતિ દિવસ કરવા માટે સહમત થયા છે.રશિયા સહિત સહયોગી દેશો જુલાઇ અને ઓગસ્ટમાં ક્રૂડનું ઉત્પાદન વધારશે. આ નિર્ણયથી સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા વધી ગઈ છે. કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉનના કારણે ક્રૂડ ઓઈલનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટી ગયો હતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ત્યારબાદ તેલ ઉત્પાદક દેશોએ ભાવ સ્થિર કરવા માટે ક્રૂડ ઓઈલના દૈનિક ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો. આ દેશો કોરોના પહેલા ક્રૂડ ઓઈલના ઉત્પાદનના સ્તરને હાંસલ કરવા માટે ધીમે ધીમે તેનું ઉત્પાદન વધારી રહ્યા છે.અને હાલમાં દરરોજ 4.32 લાખ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થઈ રહ્યું છે.
ફેબ્રુઆરીના એન્ડમાં રશિયા અને યુક્રેનના યુદ્ધની શરૂઆત થઇ ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને રશિયા પર આકરા પ્રતિબંધો લાદવાને લીધે ક્રૂડ ઓઇલનો પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેથી હાલ વિશ્વ મોંઘવારીનો સામનો કરી રહ્યું છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વિશ્વના મોટાભાગના દેશોમાં મોંઘવારી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જો કે ઓપેક દેશોની ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાની કોઈ યોજના ન હતી પરંતુ યોજનાથી વિપરીત ઉત્પાદન વધારવાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકામાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે પેટ્રોલની કિંમત રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી છે. વર્ષ 2022ની શરૂઆતથી અમેરિકામાં કાચા તેલની કિંમતમાં 54 ટકાનો વધારો થયો છે. જો કે આ સમાચાર આવ્યા તે પહેલા ન્યૂયોર્કમાં કાચા તેલનો ભાવ 0.9 ટકા ઘટ્યો છે અને તે 114.26 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઇ રહ્યો છે અને ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં આ વધારો કરવાથી ઈંધણના વધેલા ભાવને ઘટાડવામાં મદદ મળશે અને મહામારીમાઁથી બહાર નીકળેલી વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં મોંઘવારીનું સ્તર નીચું આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.