અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલાં પ્રદર્શનકારીઓ હવે ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ, ધારાસભ્ય અને ભાજપ કાર્યાલય પર તોડફોડની ઘટના બની છે.
અગ્નિપથ યોજનાને લઈને બિહાર, ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં હંગામો ચાલી રહ્યો છે. બિહારના બેતિયામાં ડેપ્યુટી CM રેણુ દેવીના ઘર પર હુમલો અને તોડફોડની ઘટના બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેપ્યુટી CMએ કહ્યું કે તેમના પૈતૃક ઘર પર હુમલો કરવામાં આવ્યો છે અને કારમાં તોડફોડ કરવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
રેણુ દેવીના પુત્રએ કહ્યું, બેતિયામાં અમારા નિવાસસ્થાન પર હુમલો થયો છે. અમને ઘણું નુકસાન થયું છે. રેણુ દેવી હાલમાં પટનામાં છે.ડેપ્યુટી CMના આવાસમાં રહેતા ભાડૂતો અને અન્ય સ્ટાફે જણાવ્યું હતું કે ટોળું પ્રવેશવા માંગતું હતું અને ઘરનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપ છે કે માહિતી આપવા પછી પણ, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ન હતી. આ હુમલા બાદ રેણુ દેવીના ઘરે રહેતા લોકો ડરી ગયા છે.
અગ્નિપથ યોજનાને લઈને વિદ્યાર્થીઓનો ગુસ્સો ચરમસીમાએ છે. વિરોધીઓ હવે ભાજપના નેતાઓના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે.અને બેતિયામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલ અને ધારાસભ્ય વિનય બિહારીના ઘર પર પણ હુમલો થયો છે.
મળતી માહિતી મુજબ ભાજપ કાર્યાલય પર સુરક્ષાની દૃષ્ટિએ ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. SDM અને DSP તૈનાત હતા. પરંતુ વિરોધીઓએ ભાજપ કાર્યાલય પર કબજો જમાવ્યો હતો.અને આ દરમિયાન DSP સંતોષ કુમાર રાય અને SDM મનોજ કુમાર સહિત અન્ય સુરક્ષાકર્મીઓને દિવાલની વંડી કૂદીને ભાગવું પડ્યું હતું અને તેઓ ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. આ સાથે જણાવવામાં આવી રહ્યું છે કે સાસારામમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.