શિવસૈનિક આજે મહારાષ્ટ્રમાં કરશે વિરોધ,પરિસ્થિતિ ના બગડે તે માટે પોલીસ એલર્ટ

શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેના નેતૃત્વમાં લગભગ 50 ધારાસભ્યોના બળવા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે અને આ મુદ્દે શિવસેનાએ આજે ​​પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. આ બેઠક આજે બપોરે 1 વાગ્યે મુંબઈમાં શિવસેના ભવનમાં યોજાશે. સીએમ ઉદ્ધવ ઠાકરે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં હાજરી આપશે અને પાર્ટીના અધિકારીઓને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતગાર કરીને વધુ સલાહ માંગી શકશે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 6 દિવસથી રાજકીય ગતિવિધિઓ વધી છે. તે વાતાવરણમાં શિવસેનાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે શું નિર્ણય લે છે તેના પર તમામની નજર છે. આ મુદ્દે આજે ઉદ્ધવ ઠાકરેએ મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના તમામ નેતાઓ, નાયબ નેતાઓ, સંપર્ક અધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે અને વર્તમાન રાજનીતિની સાથે સાથે આ બેઠકમાં શિવસેનાના મહત્વના નિર્ણય અને મુખ્યમંત્રી પદને લઈને પણ ચર્ચા થશે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે આજે સાંજે 6.30 વાગ્યે બિરલા માતોશ્રી ઓડિટોરિયમમાં યુવા શિવસૈનિકોને સંબોધિત કરશે.

ત્યારે ભાજપ આ સમગ્ર મામલે મૌન છે અને દૂર રહીને યોગ્ય તકની રાહ જોતો જોવા મળી રહ્યો છે અને પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા 3 દિવસથી સતત પોતાના મોટા નેતાઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી રહ્યા છે. જો કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ભાજપે નિવેદન જારી કરીને કહ્યું છે કે શિવસેનામાં આવેલા ભૂકંપ સાથે તેને કોઈ લેવાદેવા નથી. આ હોવા છતાં, ભાજપ સતત એવી સ્થિતિ પર ચર્ચા કરી રહ્યું છે કે જેમાં ડેપ્યુટી સ્પીકર 16 ધારાસભ્યોની સદસ્યતા રદ કરે છે, તો બળવાખોર ધારાસભ્યો સાથે સત્તામાં કેવી રીતે આવી શકે છે.

રાજ્યમાં દરરોજ બદલાતા રાજકીય વાતાવરણ વચ્ચે મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ પર છે. રાજ્યના ડીજીપીએ મહારાષ્ટ્રના તમામ પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે શિવસૈનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને હંગામો મચાવી શકે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે.અને ડીજીપી દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ પોલીસ અધિકારીઓ સતર્ક રહે અને પોતપોતાના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિને પહોંચી વળવા સજ્જતા જાળવી રાખે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.