ઉદયપુર હત્યાકાંડમાં રાજસ્થાન સરકારની મોટી કાર્યવાહી, SP-IGને હટાવાયા…

રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની ઘાતકી હત્યામાં અશોક ગેહલોત સરકાર એક્શનમાં આવી છે. ગેહલોત સરકારે ઉદયપુરના એસપી અને આઈજીને હટાવ્યા છે અને બીજી તરફ કન્હૈયાલાલની હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓને અજમેર જેલમાં ખસેડવામાં આવ્યા છે.

રાજસ્થાન સરકારે ઉદયપુરના એસપી મનોજ કુમાર અને આઈજી હિંગલાજ દાનને હટાવી દીધા છે. રાજસ્થાન સરકારે દસ જિલ્લાના એસપીની બદલી કરી છે. હવે વિકાસ શર્મા ઉદયપુરના નવા એસપી હશે. આ પહેલા રાજસ્થાન સરકારે ઉદયપુરના ASIને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરી દીધા હતા અને કન્હૈયાલાલની ફરિયાદ પરથી ASI ભંવર લાલે સમાધાન કરાવ્યું હતું.

કન્હૈયા લાલ હત્યા કેસમાં પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં, કન્હૈયા લાલે પોલીસને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને આટલું જ નહીં તેણે પોલીસ પાસે સુરક્ષાની પણ માંગ કરી હતી. પરંતુ પોલીસે સુરક્ષા આપવાને બદલે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.કન્હૈયા લાલના પુત્રોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જો પોલીસે સમયસર કડક કાર્યવાહી કરી હોત તો તેમના પિતા જીવિત હોત. એટલું જ નહીં, કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પણ ભાજપ સતત ગેહલોત સરકારને ઘેરી રહી છે.

કન્હૈયા લાલની હત્યામાં સંડોવાયેલા બંને આરોપી મોહમ્મદ અને રિયાઝને અજમેર જેલમાં ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુપ્તચર વિભાગે આશંકા વ્યક્ત કરી હતી કે બંનેના જીવ જોખમમાં હોઈ શકે છે. ઈન્ટેલિજન્સ વિભાગે કોર્ટમાં હાજર થયા બાદ આ ચેતવણી આપી હતી અને આ પછી, બંને આરોપીઓને અજમેરની ઉચ્ચ સુરક્ષા જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે બપોરે બે યુવકો મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે દરજી કન્હૈયાલાલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી.અને આરોપી કપડા સિલાઇ કરાવવાના બહાને દુકાને આવ્યો હતો. આ પછી બંને આરોપીઓએ વીડિયો શેર કરતા કહ્યું કે, તેઓએ ઈસ્લામના અપમાનનો બદલો લેવા માટે કન્હૈયાલાલની હત્યા કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.