અમિત શાહે આજે 10,000 બોડી વાર્ન કેમેરા, અન્ય ટેકનિકલ સાધનો અને Anti-Human Trafficking Unit ના 80 વાહનો ગુજરાત પોલીસને અર્પણ કર્યા હતા અને આ સમયે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના તત્કાલીન ગૃહ મંત્રી અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ લેવાયેલા નિર્ણયોથી માત્ર ગુજરાતને જ નહિ અને સમગ્ર દેશના નાગરિકોને ઇ-ગવર્નન્સ મારફતે મહત્વની સેવાઓનો લાભ ઘરે બેઠા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આજે ગુજરાતના નાગરિકોને મોબાઈલ અને વાહન ચોરી જેવા ગુનાઓમાં ઘરે બેઠા e-FIR થઈ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે.
હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે અનેક નાગરિક કેન્દ્રિત નિર્ણયો લીધા છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પિત કરાયેલા ગુજરાત પોલીસના ટેક્નોલોજી આધારિત ચાર નવા આયામનો પણ સમાવેશ થાય છે અને જે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા ઉપરાંત તેમની સેવાઓમાં પણ વધારો કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસને આઘુનિક બનાવવા ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે, આ માટે વિશ્વાસ પ્રોજેક્ટ થકી 1,500 જેટલા ચોરીના કેસો, 950 અકસ્માતના કેસો તથા 700થી વધુ અન્ય કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ચોરાયેલા વાહનો તથા આરોપીઓને પકડવા માટે ત્રિનેત્રને પરિણામે સરળતા રહેશે. મોબાઈલ ચોરી તથા વાહન ચોરી અંગેની ફરિયાદ હવે e-FIRના માધ્યમથી એક ક્લિકથી ઓનલાઈન કરી શકાશે. એટલુ જ નહિ, આ e-FIR કર્યા બાદ પોલીસ કોઇ કારણસર એક્શન ન લઇ શકી તો આપોઆપ 120 કલાકમાં FIR રજીસ્ટર થઇ જશે અને આ પ્રકારની વ્યવસ્થા થકી માત્ર રાજ્યના નાગરિકોનો જ નહિ, પરંતુ પોલીસ વિભાગનો પણ સમય બચશે.
ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ લાવવા માટે ડ્રગ્સ પેડલરોની બાતમી આપનારને રિવોર્ડ આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવી છે અને જે અંતર્ગત ગુજરાતે 160 જેટલા કેસો કરીને 153થી વધુ ડ્રગ્સ પેડલરોને પકડીને 625 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તે ઉપરાંત મહિલાઓ અને બાળ અત્યાચારના કેસોમાં રાજ્ય સરકારે 50થી વધુ કેસોનો ઝડપી નિકાલ કર્યો છે અને જે નાગરિકોની સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.