આજે અયોધ્યા કેસમાં આવશે ઐતિહાસિક ચુકાદો, UPમાં શાળા-કોલેજો બંધ, અયોધ્યામાં 144 લાગુ

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદના રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેન્ચ શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે ચુકાદો જાહેર કરશે. ભારતના ન્યાયતંત્રના ઇતિહાસના બીજા નંબરના સૌથી લાંબી અદાલતી કાર્યવાહી ધરાવતા દાયકાઓ જૂના આ કેસમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી પેનલના સમાધાનના પ્રયાસો નિષ્ફળ ગયા પછી૬ ઓગસ્ટથી સતત ૪૦ દિવસ સુધી મેરેથોન સુનાવણી હાથ ધરીને ૧૬મી ઓક્ટોબરે ચુકાદો અનામત રાખ્યો હતો. ૨૦૧૦માં અલ્હાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદાને પડકારતી ૧૪ અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ હતી.

આ ચુકાદાને ધ્યાનમાં રાખતાં સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવાઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સુરક્ષાના વિશેષ પગલાં લેવાની એડવાઇઝરી જારી કરી દેવાઇ હતી. મુખ્ય વિવાદના કેન્દ્ર એવા અયોધ્યાની કિલ્લેબંધી કરી દેવાઇ છે. વિવાદાસ્પદ સ્થળ તરફ જતા તમામ માર્ગ બંધ કરી દેવાયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા અર્ધલશ્કરીદળના ૪૦૦૦ જવાનો તહેનાત કરાયા છે. સરકારે અયોધ્યામાં બે હેલિકોપ્ટર અને ડ્રોન પણ તહેનાત કરી દીધાં છે. અયોધ્યા નજીકના વિસ્તારોમાં ૨૦ હંગામી જેલ ઊભી કરાઇ છે.

યુપીના ડીજીપી ઓપી સિંહે એ જણાવ્યું હતું કે, ભીડને નિયંત્રિત કરવી અને અફવાઓ ફેલાતી રોકવી એ અમારી ટોચની પ્રાથમિકતા રહેશે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે અયોધ્યામાં પેરામિલિટરીની ૪૦ કંપની મોકલી આપી છે. પેરામિલિટરીની આ કંપનીઓ ઉપરાંત પોલીસ અને પીએસીની કંપનીઓ પણ તહેનાત કરાશે. અમે પેટ્રોલિંગ, ચેકિંગ સહિતની તમામ કવાયત કરી રહ્યાં છે. જિલ્લા અધિકારીઓ ધર્મગુરુઓ સાથે બેઠક કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૬૦૦૦ શાંતિ બેઠકો યોજી ૫૮૦૦ ધર્મગુરુઓ સાથે મુલાકાત કરાઈ હતી. અમે સેના અને વાયુસેનાના પણ સંપર્કમાં છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.