દેશમાં આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે અને એજન્સીઓની વાત માનીએ તો આતંકવાદી સંગઠનો દિલ્હીને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચી શકે છે. 15 ઓગસ્ટે IBએ દિલ્હી પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે. જેને લઈ હવે બીએસએફને પણ બોર્ડર પર સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. IBએ પોતાના રિપોર્ટમાં રોહિંગ્યા, અફઘાન નાગરિકો જ્યાં રહે છે તે વિસ્તારો પર નજર રાખવા જણાવ્યું છે.
15 ઓગસ્ટ પહેલા લશ્કર-એ-તૈયબા, ISI અને જૈશ દ્વારા હુમલાની આશંકા વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. 10 પાનાના રિપોર્ટમાં ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ આતંકવાદી ષડયંત્રની યોજના બનાવી હોવાની માહિતી આપી છે. 10 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISI તેમને લોજિસ્ટિક મદદ આપીને બ્લાસ્ટ કરવા માંગે છે અને જેમાં અનેક નેતાઓ સહિત મોટી સંસ્થાઓની ઈમારતોને નિશાન બનાવી શકાય છે.
આઈબીના આ એલર્ટમાં જુલાઈ મહિનામાં જાપાનના પૂર્વ પીએમ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ છે. દિલ્હી પોલીસને 15 ઓગસ્ટે સ્થળ પર પ્રવેશના કડક નિયમો લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને ઉદયપુર તેમજ અમરાવતીની ઘટનાનો ઉલ્લેખ કરતા ગુપ્તચર એજન્સીઓએ કહ્યું છે કે કટ્ટરપંથી જૂથો અને ભીડભાડવાળી જગ્યાઓ પર તેમની ગતિવિધિઓ પર કડક નજર રાખવી જોઈએ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકી સંગઠન LeT અને JeM હુમલા માટે UAV અને પેરા ગ્લાઈડરનો ઉપયોગ કરી શકે છે. તેથી બીએસએફને બોર્ડર પર સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે અને IBએ પોતાના રિપોર્ટમાં રોહિંગ્યા, અફઘાન નાગરિકો જ્યાં રહે છે તે વિસ્તારો પર નજર રાખવા જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.