સુરતમાં રિંગરોડ આદર્શ માર્કેટ સામે નોકરીએ જવા નીકળેલા યુવકનું સીટી બસની અડફેટે મોત…

સોમવારે સવારે રિંગરોડ સ્થિત આદર્શ માર્કેટ સામે પુરપાટ ઝડપે દોડી આવતી સીટી બસના ચાલકે બાઈક પર ત્રિપલ સીટ નોકરીએ જવા નીકળેલા માનદરવાજાના યુવકોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું અને જ્યારે અન્ય બે યુવકોને નાની-મોટી ઇજા થઈ હતી.

મળતી માહિતી મુજબ માનદરવાજા ખાતેની હીરામણીની ચાલમાં રહેતો કિશન પટેલ (ઉ.વ.28) કતારગામમાં આવેલા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. સોમવારે સવારે કિશન નિત્યક્રમ મુજબ મિત્ર મેહુલ પટેલની બાઈક પર નાના ભાઈ રવિ પટેલ સાથે ત્રિપલ સીટ નોકરીએ જવા નીકળ્યો હતો. ત્યારે રિંગરોડ સ્થિત આદર્શ માર્કેટ સામે પાછળથી પૂરઝડપે દોડી આવતી સીટી બસના ચાલકે બાઈકસવા૨ મેહુલ, રવિ અને કિશનને ટક્કર મારી હતી. જેમાં પાછળ બેસેલો કિશન બસની નીચે કચડાયો હતો અને જેને પગલે ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક હંકારતો મેહુલ અને રવિ પર રોડ પર પટકાતા ઇજા પામ્યાં હતા.

મૃતક કિશનના સંબંધીઓએ કહ્યું હતું કે, દસેક માસ પહેલા જ કિશનના લગ્ન થયા હતા. તેની પત્ની ગર્ભવતી છે. કિશનના અકાળે મોતથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે અને બનાવ બાદ બસનો ચાલક ભાગી છૂટ્યો હતો. આ મામલે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.