હાલમાં ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે અને બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ સારા વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. સરદાર સરોવરની સપાટી દર કલાકે પાંચ સેન્ટિમીટર વધી રહી છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 132.74 મીટરે પહોંચી છે. પાણીનું સ્તર હજુ વધી શકે છે. મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે આ વખતે ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ શકે છે. ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરથી 5.94 મીટર દૂર છે. બીજી તરફ નર્મદા જિલ્લામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે.
જિલ્લાના પાંચેય તાલુકાઓમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળસપાટી 396.04 ફૂટે પહોંચી છે. હાલમાં ડેમમાં 41,410 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જ્યારે ડેમમાંથી 5,300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમની જોખમી સપાટી 419 ફૂટ છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદર ડેમની જળસપાટી 119.90 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 220 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ભાદર ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમની જોખમી જળ સપાટી 123.72 મીટર છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેમાં ધરોઈ ડેમમાં હાલ 27,500 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને ધરોઈ ડેમની જળસપાટી 605.90 ફૂટે પહોંચી છે. રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. માધાપર ચોક, ગોંડલ ચોક, મવડી ચોક, ત્રિકોણ બાગ, જામનગર રોડ, નાના મૌવા સર્કલ, આનંદ બંગલા ચોક, ઢેબર રોડ, ગોંડલ રોડ, મોરબી રોડ, વેલનાથ પરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરમાં સવારે 7 થી 8 વચ્ચે 0.24 ઈંચ વરસાદ નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.