મુસ્લિમ પત્ની બાળક સાથે સાસરેથી નીકળી ગયા બાદ હિન્દુ પતિએ પત્ની અને બાળકની કસ્ટડી માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, પત્ની હાઈકોર્ટમાં હાજર થઈ હતી અને પતિનો સાથ આપવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે બાળકની કસ્ટડી તેના હિન્દુ પિતાને સોંપવાનો આદેશ આપ્યો હતો. જો પિતા સારી સ્થિતિમાં હોય અને બાળક તેની સાથે આરામદાયક હોય, તો તેને કસ્ટડી આપવી યોગ્ય છે. અલબત્ત, હાઈકોર્ટે મુસ્લિમ માતાને તેના બાળકની મુલાકાત લેવાનો અધિકાર આપ્યો હતો અને હાઈકોર્ટે મુસ્લિમ માતાને સંબંધિત કોર્ટમાં અરજી કરીને બાળકની કસ્ટડીનો દાવો કરવાની સ્વતંત્રતા પણ આપી હતી. ત્યાં સુધી માતા દર મહિનાના પ્રથમ શનિવારે રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની મુલાકાત લઈ શકે છે અને ચારથી છ કલાક સુધી બાળકને મળી શકે છે. બીજી તરફ, પત્ની તેના પતિ સાથે જવા માંગતી ન હોવાથી, હાઇકોર્ટે પત્નીને પરત લેવાની પતિની માંગને ફગાવી દીધી હતી તેમજ હાઈકોર્ટે કહ્યું કે, અરજદારની પત્ની સંપૂર્ણ વયની છે અને તે પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે.
હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે બાળક પિતા સાથે વધુ આરામદાયક લાગે છે. પિતા વ્યાજબી રીતે સમૃદ્ધ છે, તેમની આવક સારી છે અને જેથી તે બાળકને સારું શિક્ષણ આપી શકે. બીજી તરફ માતાની કોઈ આવક નથી. આ તમામ સંજોગોને જોતા બાળકને પિતાને સોંપવામાં આવે છે. અરજદાર હિન્દુ પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારે તેની મુસ્લિમ પત્ની સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને સાડા ત્રણ વર્ષનું સંતાન પણ હતું અને થોડા સમય પહેલા પત્નીના પરિવારજનો અરજદારની પત્ની અને તેના સાડા ત્રણ વર્ષના બાળકને તેના સાસરિયાના ઘરેથી લઈ ગયા હતા અને પોતાની પાસે રાખ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.