ભાજપની ‘નો રિપીટ થિયરી’પર જાણો શુ કહ્યું MLA કેતન ઇનામદારએ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં છે અને ત્યારે ચૂંટણી પહેલાં એક કાંકરો નાંખીને વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે.એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપના ધારાસભ્ય કેતને કહ્યુ હતું કે ગુજરાત વિધાનસભાની 182 બધી બેઠકો પર ભાજપ નો રિપીટ થિયરી લાવશે તો મને કોઇ વાંધો નથી, પરંતુ બધી બેઠકો પર જો નો રિપીટ થિયરીનો અમલ ન થાય તો સાવલી બેઠક પરથી મારી ટિકિટ પાક્કી જ છે. ઇનામદારે સાથે હુંકાર કરતા કહ્યું હતું કે, જો મને રાજકીય હાથો બનાવવામાં આવશે તો એકલા હાથે ચૂંટણી લડવા સક્ષમ છું.

ભાજપના બોલકા અને ઉગ્ર રજૂઆત માટે જાણીતા વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં પાર્ટીને આડકતરો ઇશારો આપી દીધો હતો કે મારી ટિકિટ કાપતા નહી અને એવું કહેવાય છે કે ઇનામદાર ભાજપના એવા નેતા છે જેમના ઘરે ભાજપ પાર્ટી કાર્યાલય કરતા વધારે ભીડ ભેગી થતી હોય છે. મતલબ કે એટલી લોકચાહના કેતન ઇનામદાર ધરાવે છે.

જાણકારોના કહેવા મુજબ ગુજરાતમાં કેટલીક વિધાનસભા બેઠકો એવી છે જેની પર વર્તમાન ધારાસભ્યોનો વિકલ્પ જ નથી. કેતન ઇનામદાર એવા જ નેતા છે, જેમની લોકચાહના જબરદસ્ત છે અને આ અગાઉ પણ તેમણે વર્ષ 2012માં અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને જીત્યા હતા એ પછી વર્ષ 2017માં ભાજપે તેમને સામેથી ટિકિટ આપી હતી અને ઇનામદાર ફરી સાવલીના ધારાસભ્ય બન્યા હતા.

કેતન ઇનામદારે કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારી પાર્ટી બધી બેઠકો પર નો રિપીટ થિયરી લાવશે તો હું સ્વીકારી લઇશ, પરંતુ બીજી-ત્રીજી વાત લાવશે તો નહીં ચલાવી લઉં અને ઇનામદારે કહ્યુ કે હું કોઇના રાજકીય હાથો બનવાનો નથી.

કેતન ઇનામદારની રાજકીય ઇનિંગ પર એક નજર કરીએ તો વર્ષ 2001માં તેઓ પહેલાવીર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારી ગયા હતા અને વર્ષ 2005માં ગોઠડા બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. એ પછી વર્ષ 2010માં ધનતેજ બેઠક પર અપક્ષ લડીને જીતી ગયા હતા તેમજ વર્ષ 2012માં સાવલી વિધાનસભા બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા. વર્ષ 2017માં ભાજપે ટિકિટ આપી અને 42 હજાર મતે વિધાનસભાની ચૂંટણી જીતીને સાવલીના ધારાસભ્ય બન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.