BJP ગુજરાતમાં દારૂ વેચાવી 20000 કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ મેળવે છે: ગોપાલ ઇટાલિયા

વાપીમાં વેપારીઓ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સંવાદ કાર્યક્રમ થકી વિવિધ પ્રશ્નો, રજૂઆતો સાંભળી હતી. જે બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડકમાં કડક અમલ થાય. ભાજપ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વર્ષે 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ આ દારૂ વેંચાવીને મેળવે છે અને જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ન મળે તેવી વ્યવસ્થા કરશે.

ગોપાલ ઇટાલીયાએ આજના સંવાદ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે આપ દ્વારા વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી ગુજરાતના વેપારીઓને સાથે રાખીને ગુજરાતમાં આગળ વધે, ગુજરાતના લોકોનું ભલું થાય તેવું ઇચ્છે છે અને તે માટે તેમના પ્રશ્નો, રજૂઆતો, ભલામણો સાંભળવા અલગ અલગ સ્થળો પર આ પ્રકારના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને વાપીમાં આયોજિત સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેવો એ GST, બેન્કિંગ સિસ્ટમ અને રોડ રસ્તાની રજૂઆતો કરી હતી. જેનું ધ્યાને લઈ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી પોતાનું વિઝન રજૂ કરશે.

ગોપાલ ઇટાલીયા એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત પક્ષ તરીકે આગળ વધી રહી છે. અરવિંદ કેજરીવાલના આગેવાનીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક તાકાતવર પક્ષ તરીકે ઉભરી રહી છે. ગુજરાતમાં બદલાવ માટે વેપારીઓ અને જનતાનો સપોર્ટ મળી રહ્યો છે. આમ આદમીને કારણે જ ભાજપમાં ડરનો માહોલ ઉત્પન્ન થયો છે. તેઓને CM બદલવા પડે છે. તો ક્યારેક મંત્રીઓ બદલી રહ્યા છે. જે લોકો ગુજરાતના લોકોનો અવાજ સાંભળતા નહોતા તે લોકોએ અવાજ સાંભળવા અને એક્શન લેવા મજબૂર બનવું પડ્યું છે. 2022ની ચૂંટણીમાં મજબૂત પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરીને આવશે. વલસાડ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી મજબૂત વ્યક્તિત્વને ટિકિટ આપશે. સમગ્ર ગુજરાતમાં હાલમાં ચૂંટણીના ચાર મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ 19 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે અને વલસાડમાં પણ યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. આવનારા દિવસોમાં જે રીતે અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આવી રહ્યા છે. તેવી જ રીતે વલસાડમાં પણ આવશે.

વાપીમાં આયોજિત આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારી વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જે સંદર્ભે ગોપાલ ઇટાલીયા એ ભાજપ પર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2022 ની ચૂંટણીને લઈને કઈ રીતે આગળ વધી રહી છે અને કેવી તૈયારીઓ કરી રહી છે. તે અંગે પણ વિગતવાર ચર્ચા કરી હતી. આમ ઉપસ્થિત યુવાનોને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.