ગોધરા સબ જેલ માંથી બિલ્કીસબાનુ કેસના ગેંગરેપ અને હત્યાના ૧૧ દોષિતોને છોડી દેવાના નિર્ણય કરાયો

બળાત્કારના દોષિતોને આઝાદ કરાતા મહિલાઓના સ્વરક્ષણ માટે બેઝબોલ અને દંડાઓનું વિતરણ કરાશે….. ગોધરા તા. ગોધરા સબ જેલ માંથી બિલ્કીસબાનુ કેસના ગેંગરેપ અને હત્યાના આજીવન કેદની સજાના ૧૧ આરોપીઓને આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ૧૫’ ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વના દિને જેલ માફી સાથે આઝાદ કરી દેવાના ગુજરાત સરકારના આદેશ સામે આજરોજ ગુજરાત જનતા જાગૃતિ મંચની સંલગ્ન સંસ્થા મહિલા અધિકાર મંચની બહેનો દ્વારા હાથમાં દંડાઓ બેઝસ્ટીક લઈને ગુજરાત સરકાર પોતાનો આદેશ પરત ખેંચે અને બિલ્કીસબાનુ કેસના દોષિતોને પુનઃ જેલ ભેગા કરવાની માંગણી સાથે પંચમહાલ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા હતા.પરંતુ પંચમહાલ કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારવાની ના પાડતા મહિલા અધિકાર મંચની બહેનો દ્વારા કલેકટરાય કચેરીના આંગણે ધરણાં શરૂ કરીને “કલેકટર તુમ હોશ મેં આવો” ના સૂત્રોચ્ચાર શરૂ કરીને નારી શક્તિ નો પરચો દેખાડતા સમગ્ર પંચમહાલ કલેકટરાય કચેરીમાં ઉત્તેજનાઓ પ્રસરી જવા પામી હતી. જો કે બિલ્કીસબાનુ કેસના દોષિત આરોપીઓને જેલ માફી સાથે મુક્ત કરવાના ગરમાયેલો માહૌલ વધુ ઉગ્ર બને આ પૂર્વે પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા એ મહિલા અધિકાર મંચના કન્વીનર મિતાલીબેન સમોવાને ચેમ્બરમાં બોલાવીને દોષિત કેદીઓને જેલ માફી સાથે મુક્ત કરવાના નિર્ણયમાં તેઓની કોઈ ભૂમિકા નથી અને જિલ્લા જેલ સલાહકાર સમિતિના અભિપ્રાય બાદ ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવીને પોતે જવાબદારી માંથી છટકી રહયા હોવાના આક્ષેપો કન્વીનર મિતાલીબેન સમોવાએ કર્યો હતો.!! દેશની આઝાદીના પંચોત્તેર વર્ષ પુરા થયા એ પ્રસંગને “આઝાદીના અમૃત મહોત્સવ” તરીકેની ઉજવણી દરમિયાન ૧૫’ ઓગસ્ટ ના રોજ બિલ્કીસબાનુ કેસના બળાત્કાર અને હત્યાના ૧૧ દોષિતોની બાકીની સજા માફ કરી આઝાદ કરવાના ગુજરાત સરકારના વિવાદી નિર્ણયનો દેશ વિદેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે મહિલા અધિકાર મંચ દ્વારા ગોધરા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આ નિર્ણય પરત લઈને દોષિતોને પરત જેલભેગા કરવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. મહિલા અધિકાર મંચના કન્વીનર મિતાલીબેન સમોવાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે.
દિકરીઓના જાહેરમાં ગળા કપાય છે. આમ ગુજરાતની બેટીઓનું રક્ષણ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે લાજવાના બદલે ગાજતી સરકાર દ્વારા સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર બિલ્કીસબાનુ કેસના બળાત્કાર અને હત્યાના દોષિતોને આઝાદના અમૃત મહોત્સવ ટાણે આઝાદ કરી આઝાદી ફક્ત પુરુષોને જ મળી છે મહિલાઓને નહીં એ વાતની પ્રતીતિ કરાવી છે. ગોધરાના ધારાસભ્યએ પોતાની ગરિમા છોડી બળાત્કારીઓ સંસ્કારી હતા એટલે આઝાદ થયા જેવું નિવેદન આપતા રણધીકપુર ના રહીશો ફરી આવી ઘટના પોતાની દીકરીઓ માથે ન થાય એટલે ઘરબાર છોડી હિજરત કરી રહ્યા છે. *બળાત્કારીઓને સંસ્કારી કહેનારા ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજીને ઘરભેગા કરવાની અપીલ..!!* ગોધરા ભા.જ.પ.ના ધારાસભ્ય સી.કે.રાઉલજી ના બિલ્કીસબાનુ કેસના બળાત્કાર દોષિતો સંસ્કારી હોવાના કરેલા ઉચ્ચારણો સામે લાલઘૂમ બનેલા મહિલા અધિકાર મંચની મહિલાઓ દ્વારા બળાત્કારીઓને પ્રોત્સાહન આપતા ધારાસભ્ય સી.કે.રાઉલજીના આ નિવેદન સામે મહિલા મતદારોએ આગામી વિધાનસભા ચૂંટણીમાં આવા નેતાઓને ઘરભેગા કરી દેવાની અપીલ કરી હતી.સાથોસાથ બિલ્કીસબાનુ કેસના બળાત્કાર અને હત્યાના આજીવન કેદની સજાના ૧૧ કેદીઓને મુક્ત કરવાના આદેશને રદ્દ કરીને આઝાદ દોષિતોને પુનઃ જેલભેગા નહિ કરે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં મહિલા અધિકાર મંચ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરીને ૨.૧૬ કરોડ મહિલા મતદારોને મહિલા વિરોધી સરકારને મતો નહિ આપવાનો જંગ છેડશે.!!

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.