લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈમાંથી પુત્રીના લગ્ન માટે ઉપાડેલા રૂ.2 લાખ ગઠીયા ઉઠાવી નાશી છુટતા ચકચાર

લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈમાંથી પુત્રીના લગ્ન માટે ઉપાડેલા રૂ.2 લાખ સર.જે. હાઈસ્કૂલ પાસે પાર્ક કરેલી કારમાંથી ગઠિયા ઉઠાવી જતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
…લીંબડી-અંકેવાળિયા રોડ પર આવેલી ન્યૂ શ્રદ્ધા સ્કૂલ પાછળ રહેતા અને વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર પોતાની કાર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નરેશભાઈ પટેલની પુત્રીના લગ્ન નવેમ્બર મહિનામાં યોજાવાના છે. પુત્રીના લગ્નની ખરીદી કરવા પૈસાની જરૂર હોવાથી તેઓ તેમના 2 મિત્ર સાથે કાર લઈ બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈમાંથી નરેશભાઈ પટેલે રૂ.2 લાખ ઉપાડી કારની પાછળની સીટ ઉપર રાખ્યા હતા. બેંકથી 100 મીટર દૂર આવેલી સર.જે.હાઈસ્કૂલ પાસે કાર પાર્ક કરી કાચ ખૂલ્લા રાખીને ત્રણેય મિત્રો પાણી પૂરી આરોગવા નીચે ઉતર્યાં હતા. પાણી પૂરી આરોગી ત્રણેય કાર લઈને થોડા દૂર ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે કારમાં રાખેલા રૂ.2 લાખ ગુમ છે. બેબાકળા બની નરેશભાઈ મિત્રો સાથે બેંકે દોડી આવ્યા હતા. ધોળા દિવસે રૂ.2 લાખની ઉઠાંતરીના સમાચાર ફેલાતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા પીએસઆઈ એન.એચ.કુરેશી, મયુરધ્વજસિંહ ઝાલા સહિતના બેંકે દોડી આવ્યા હતા. બેંકના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. અમુક શકમંદો નજરે પડે છે કે જેમની હિલચાલ શક ઉપજાવે તેવી છે. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી દીધી છે. ટૂંક સમયમાં ગઠિયા હાથે લાગી જાય તેવો આશાવાદ છે તેમ પીએસઆઈ એ જણાવ્યું હતું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.