લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં નખાતા મોબાઈલ ટાવરને લઈને રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં નખાતા મોબાઈલ ટાવરને લઈને રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ટાવર નાખવાનું કામ બંધ કરાવવા માટે સ્થાનિકો પાલિકા, મામલતદાર કચેરીએ દોડી ગયા હતા અને ચિફ ઓફિસર તેમજ પ્રમુખને લેખિત અરજી આપી મંજૂરી વગર નખાતાં ટાવરનું કામ બંધ કરાવવા રજૂઆત કરી હતી. જેથી પાલિકાની પરવાનગી વગર નાખવામાં આવતા ટાવરનું ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની કૃષ્ણનગર સોસાયટીમાં રહેણાકના મકાનમાં મોબાઈલ ટાવર નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ટાવર નાખવા માટે ખોદકામ કરી તેની માટી સોસાયટી નજીક ઠાલવતા લોકાના ઘરના પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ હતી. જેને લઈને સોસાયટીના લોકો એકઠા થયા હતા. ભવિષ્યમાં મોબાઈલ ટાવરના રેડિયેશનથી લોકોના આરોગ્ય પર વિપરીત અસર થવાની સંભાવનાને લઈ ટાવર નાખવાનું કામ બંધ કરાવવા માટે મામલતદાર અને પાલિકા કચેરીએ દોડી આવ્યાં હતા. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત અરજી આપી મંજૂરી વગર નખાતાં ટાવરનું કામ બંધ કરાવવા રજૂઆત કરી હતી.લોક રજૂઆતને ધ્યાને રાખીને પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા. લીંબડી નગરપાલિકાની મંજૂરી વગર નખાતાં ટાવરનું ખોદકામ બંધ કરાવી દીધું હતું. હાલ તો ટાવરનું ખોદકામ બંધ કરાતાં મામલો થાળે પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.